Gujarat

વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ગુમ થઇ ગયેલા યુવાનની લાશ વિધવાના ઘરના ધાબા પર મળી

By GS TEAM
8 Sep 20251 min read
વાઘોડિયા તાલુકાના રવાલ ગામે  ગુમ થઇ ગયેલા યુવાનની લાશ વિધવાના ઘરના ધાબા પર મળી

જરોદ તા.૮ વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ગઇકાલે રાત્રે યુવાન રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા બાદ આજે સવારે તેની લાશ ગામની એક વિધવાના મકાન પરથી મળતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

રવાલ ગામે દૂધ ડેરીવાળા ફળિયામાં રહેતો વિપુલ ઠાકોરભાઇ સોલંકી (ઉ.વ.૩૦) ગઇકાલે તેની પત્ની પારુલ અને આઠ વર્ષના પુત્ર સાથે પુનમ નિમિત્તે તાજપુરા ગયો હતો અને બપોરે તેઓ પરત ફર્યા હતાં. રાત્રે આઠ વાગે તે જમીને ગામની ભાગોળે બેસવા માટે ગયા બાદ ઘેર પરત ફર્યો ન હતો. સવારે તેની પત્નીએ ઘરમાં જાણ કરી હતી કે વિપુલ રાત્રે ઘેરથી નીકળ્યા બાદ પરત ફર્યા નથી.

પિતાએ વિપુલને ફોન કરતા મોબાઇલની રિંગ વાગતી હતી જેથી ગામમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમિયાન સાડા નવ વાગે ગામમાં ભાથુજી મંદિર સામે રહેતી ચંપાબેન હસમુખભાઇ સોલંકીના મકાનના ધાબા પર તેની લાશ પડેલી છે તેમ જાણવા મળતાં ઘરના સભ્યો ત્યાં દોડી ગયા હતાં. અગાસી પર તપાસ કરતાં વિપુલની લાશ પડેલી હતી તેને આંગળીઓ પર સામાન્ય ઇજા જણાતી હતી જ્યારે બાહ્ય કોઇ મોટી ઇજા  ન હતી.

જ્યારે ચંપાબેનનું ઘર બંધ હતું. બનાવની જાણ થતા વાઘોડિયા પોલીસ પણ સ્થળ પર આવી ગઇ હતી અને વિપુલના મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વિપુલને પ્રેમ સંબંધ હતો. જો કે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.