લગ્ન પ્રસંગમાં યુવક પર કાચની બોટલ વડે હુમલો
રિક્ષામાં બેસવાના મુદ્દે ઝઘડો થતા મારામારી કરી ધમકી આપી
વડોદરા,પાણીગેટમાં લગ્ન પ્રસંગમાં ગયેલા યુવક પર કાચની બોટલ વડે હુમલો કરી માથા તથા આંખ પર ઇજા પહોંચાડી હુમલાખોર ભાગી ગયો હતો.
પાણીગેટ બાવામાનપુરામાં રહેતા રિક્ષા ડ્રાઇવર અખ્તરઅલી સૈયદઅલી સૈયદે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે ૧૦ વાગ્યે મારો મોટો ભાઇ અબ્બાસઅલી પાણીગેટ શાક માર્કેટ નજીક લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્નમાં જમીને મારો ભાઇ પાણીગેટ શાક માર્કેટ પાસે આવેલા ગલ્લા પર ઉભો હતો. તે દરમિયાન આસિફ ઉર્ફે બોબડો ઇકબાલભાઇ શેખ (રહે. કબેલાની પાછળ, પાણીગેટ, શાક માર્કેટ) મારા ભાઇની રિક્ષામાં બેઠો હોઇ મારા ભાઇએ તેને કહ્યું કે, તું મારી રિક્ષામાં કેમ બેઠો છે ? આ વાત સાંભળીને તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારા ભાઇને ગાળો બોલવા લાગ્યો હતો. હું આસિફને કહેવા જતા તેણે મારી સાથે પણ ઝઘડો કરી માથામાં પાછળ તથા આંખ પર કાચની બોટલ મારી દીધી હતી.લોકો ભેગા થઇ જતા તેણે ટોળાને પણ તૂટેલી કાચની બોટલ બતાવી ધમકી આપી હતી.