Gujarat

યુવતીએ લગ્નની ના પાડતા યુવકે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી

By GS TEAM
11 Jul 20252 mins read
યુવતીએ લગ્નની ના પાડતા યુવકે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી

 વડોદરા,યુવતીએ લગ્નની ના  પાડી દેતા છંછેડાયેલા યુવકે તેની હેરાનગતિ શરૃ કરી દીધી હતી. યુવતીનો સતત  પીછો કરી ધમકી આપી બદનામ કરવાની કોશિશ કરતા આરોપી સામે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૧ માં મારા મિત્રે મારા લગ્નની વાત આદિત્ય પંકજભાઇ ઠાકર (રહે. સંગીત એપાર્ટમેન્ટ, નટુભાઇ સર્કલ પાસે, રેસકોર્સ) સાથે કરી હતી. ત્યારબાદ તેના ઘરે યુવકને જોવા માટે ગયા હતા. પરંતુ, મને આદિત્યનો સ્વભાવ સારો નહીં લાગતા મેં તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. ગત ૨ જી જુલાઇએ મારી ગાડી પર ખરાબ શબ્દો કોઇ લખી ગયું હતું.  સીસીટીવી કેમેરા ચેક કરતા મોેપેડ પર આવેલી બે વ્યક્તિઓ લખાણ કરતા દેખાયા હતા. આ લખાણ આદિત્યએ જ કર્યુ હોવાનો મને પાકો શક છે. હું ઓફિસેથી છૂટીને ઘરે જતી હતી. તે સમયે પણ આદિત્યએ મારો પીછો કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જ્યારે અન્ય એક કિસ્સા અંગે યુવતીએ  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૯ મી તારીખે રાતે ૯ વાગ્યે હું જમીને ઘરેથી ચાલવા નીકળી હતી. તે દરમિયાન  બે યુવકોએ મોપેડ પર આવીને મારા પર હુમલો કરી ધમકી આપી હતી કે, હું બદલો લઇશ. ત્રણમાંથી એકને પણ છોડીશ નહીં. તમને બરબાદ કરી નાંખીશ. હું અવાજ પરથી ઓળખી ગઇ હતી કે,  આ બે  પૈકી એક યુવક આદિત્ય હતો.