ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકવા બદલ ઠપકો આપતા યુવાન અને પિતા ઉપર હુમલો
ગાંધીનગરના સેક્ટર-૬ શાકમાર્કેટ ખાતે
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-૬ શાકમાર્કેટ ખાતે ગઈકાલે સાંજે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકવા બાબતે થયેલા ઝઘડામાં એક યુવાનને માથામાં ઇજા થઈ હતી અને તેના પિતાનો હાથ ફ્રેક્ચર થયો હતો. આ ઘટનામાં કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર-૩
ખાતે રહેતા અને સેક્ટર-૬ શાકમાર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરતાં ધર્મેશકુમાર
સવજીભાઈ પટણીએ ફરિયાદ નોંધાવી હતી કે,
સેક્ટર-૩ ન્યુ ઘ-૦ સર્કલ નજીક રહેતા અવિનાશ રાજેશભાઈ પટણીએ તેની બહેનનો ફોટો
ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. આ બાબતે ઠપકો આપવા માટે ધર્મેશ તેના ભાઈ રવિન્દ્રભાઈ
અને તેમના પિતા સવજીભાઈ અવિનાશ પટણીના ઘરે ગયા હતા. જ્યાં તેને ઠપકો આપવામાં આવ્યો
હતો ત્યારબાદ તેઓ સેક્ટર-૬ શાકમાર્કેટ ખાતે તેમના કામે પાછા ફર્યા હતા. સાંજે
અવિનાશ રાજેશભાઈ પટણી, રાજેશભાઈ
પટણી, અરુણ
રાજેશભાઈ પટણી, મેહુલભાઈ, અને બાદરભાઈ
મુકેશભાઈ પટણી શાકમાર્કેટ પહોંચ્યા હતા. જ્યાં ધર્મેશ અને તેના ભાઈ સાથે બોલાચાલી
કરીને ગાળો આપી અને ઝઘડો કરવા લાગ્યા હતા. તેઓએ ધર્મેશ અને તેના ભાઈને ગડદાપાટુનો
માર માર્યો હતો. અવિનાશે તેના હાથમાં રહેલા ધારિયાના પાછળના ભાગથી ધર્મેશના માથાના
ભાગે માર્યું હતું. જ્યારે મેહુલભાઈએ ધર્મેશના પિતા ઉપર લાકડીથી હુમલો કરી દીધો
હતો. ઝઘડો જોઈને લોકો ભેગા થતા આરોપીઓએ આજ પછી જો અમારા કોઈનું નામ લીધું છે તો
તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં તેમની રિક્ષાના કાચ પણ
તોડી નાખ્યા હતા. જે મામલે પોલીસ દ્વારા પાંચ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં
આવ્યો છે.