મોરબીમાં મહિલા પર હુમલો કરનાર આરોપી યુવાનની સરાજાહેર હત્યા

લીલાપર ચોકડીએ છરીના ઘા ઝીંકીને અજાણ્યા શખ્સો ફરાર બે દિવસ પહેલાં ઘર પાસે ગાળો બોલવા બાબતે માથાકૂટમાં મહિલાની ફરિયાદના આધારે પોલીસ આરોપી યુવકને શોધતી હતી, ત્યાં જ હત્યા થઈ જતાં ઉહાપોહ
મોરબી, : મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના સામાન્ય બની ગયા છે. આજે લીલાપર ચોકડી પાસે 22 વર્ષના યુવાનને સરાજાહેર છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે યુવાન સામે હજુ ગઈકાલે જ વજેપર વિસ્તારમાં રહેતી પાડોશી મહિલા પર હુમલો અને કારમાં તોડફોડની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેને પોલીસ શોધી રહી હતી ત્યાં જ આજે મોતને ઘાટ ઉતારી દેવાતા ઉહાપોહ મચી ગયો છે. આ હત્યા અંગત અદાવતમાં થઇ હોવાની શક્યતાનાં આધારે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ગીરીશ નારણભાઈ કણઝારીયા (ઉ.વ. 22) નામના યુવાનને આજે સાંજે લીલાપર ચોકડી નજીક છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ પાંચથી વધુ લોકોએ છરી વડે યુવાન પર હુમલો કર્યો હતો. પરિણામે યુવાન જીવ બચાવવા રસ્તા પર દોડયો હતો, છતાં હુમલાખોરો તેની પાછળ દોડયા હતા અને એક દુકાન પાસે આંતરીને છરીના આડેધડ ઘા ઝીંકી સરાજાહેર ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. જે બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને પોલીસ દોડી ગઈ હતી. મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. આ સાથે હત્યા કરનાર ઈસમો ફરાર થઈ ગયા હોવાથી પોલીસે તેમને ઝડપી લેવા અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
જો કે, પોલીસે તપાસ શરૂ કરતા જ ઘટસ્ફોટ થયો કે, મૃતક ગીરીશ કણઝારીયા વિરૂદ્ધ ગઈકાલે જ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બે દિવસ પહેલા તા. 16ના રોજ વજેપર વિસ્તારમાં રહેતા પાડોશી હિરલબેન કણઝારીયાએ મૃતક ગીરીશ કણઝારીયા અને તેના મિત્ર રવિ કોળી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘર પાસે બન્ને યુવકો ગાળો બોલતા હતા. જેથી તેમને ના પાડતા છુટા પથ્થરના ઘા મારીને પાડોશી હિરલબેનને ઈજા કરી હતી અને તેમના સાસુ-સસરા સાથે માથાકૂટ કરી હતી તેમજ તેમના ઘર બહાર પડેલી કારમાં પથ્થરના ઘા મારી નુકશાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવાનની હત્યા માટે આ માથાકૂટ જવાબદાર છે કે અન્ય કાઈ તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે.








