જામનગરમાં શિવધામ રેસીડેન્સી નજીકના વિસ્તારમાં લોખંડના સળિયા ઉતારી રહેલા અજાણ્યા શ્રમિક યુવાનનું વીજ આંચકા થી કરુણ મૃત્યુ

જામનગરના સમર્પણ સર્કલ નજીક શિવધામ રેસીડેન્સી પાસે એક બાંધકામના સ્થળે ટ્રકમાંથી લોખંડના સળિયા ઉતારતી વેળાએ ઉપરથી પસાર થઈ રહેલી 66 કેવીની વિજ લાઈનમાંથી એક અજાણ્યા શ્રમિક યુવાનને વીજ આંચકો લાગી જતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. તે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરદાર આવાસ માં રહેતા અને ટીએમટી લોખંડના સળિયા નું ગોડાઉન ધરાવતા વિપુલભાઈ મોહનભાઈ વસોયા નામના પટેલ વેપારી દ્વારા સમર્પણ સર્કલ નજીક શિવધારા રેસીડેન્સી પાસે એક બાંધકામના સ્થળે ગઈકાલે ટ્રકમાંથી લોખંડના સળિયા ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ચાર શ્રમિકો લોખંડના સળિયા ઉતારવાનું કામ કરી રહ્યા હતા.
જે દરમિયાન દરેડ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કામ કરતો ૩૫ વર્ષની વયનો એક અજાણ્યો પુરુષ ત્યાં મજૂરી કામ કરવા આવ્યો હતો, અને ટ્રકમાંથી લોખંડના સળિયા ઉતારી રહ્યો હતો. જે દરમિયાન અકસ્માતે ઉપરથી પસાર થઈ રહેલી ૬૬ કેવી ની હેવી વિજ લાઈનમાં લોખંડનો સળીયો અડી જતાં વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે વેપારી વિપુલભાઈ વસોયાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એ.એસ.આઈ. ટી.કે. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને અજાણ્યા શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જયારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.