For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા ગેંગરેપ કેસઃ NGOની ફેલોશિપ કરી પરત ફરતી યુવતીનું 2 રિક્ષાચાલકે કર્યું હતું અપહરણ

Updated: Nov 13th, 2021

Article Content Image

- GRPની ટીમને યુવતીએ લખેલી એક ડાયરી હાથ લાગતાં દુષ્કર્મ-આત્મહત્યાનો સમગ્ર મામલો સામે આવ્યો

વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાત કવીન ટ્રેનમાંથી યુવતીની લાશ મળી આવી હતી 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતા સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને બનાવની જાણ કરી હતી. જેથી વલસાડ GRPની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો નહોતો. જોકે યુવતી પાસે મળેલા ફોન પરથી નવસારી રહેતા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

 2 રિક્ષાચાલકે દુષ્કર્મ આચર્યું આ ઘટના અંગે GRPની ટીમે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. વલસાડ GRPના CPIને કેસની તપાસ સોંપવામાં આવી હતી. ઘટનાની ઝીણવટભરી રીતે તપાસ કરતાં યુવતીના રૂમમાંથી GRPની ટીમને એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં યુવતીએ તેની આપવીતી જણાવી હતી. એમાં ધનતેરસના દિવસે યુવતી OASIS સંસ્થામાં ફેલોશિપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી ત્યારે 2 રિક્ષાચાલકે તેનું અપહરણ કરી લીધી હતું. એ બાદ તેને વડોદરા વેક્સિન કોલેજ ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું ડાયરીમાં નોંધ હતી.

બસ ડ્રાઇવરે યુવતીની મદદ કરી

આ સમગ્ર ઘટના બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાયવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા, એની પણ નોંધ ડાયરીમાં મળી આવતાં GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. GRPની ટીમ યુવતીને મદદ કરનારા બસચાલકને શોધી તેનું નિવેદન મળવી રહી છે.

પોલીસે આગળની તપાસ હાથ ધરી

OASIS સંસ્થાના માધ્યમથી લોકોને જીવન જીવવાની પ્રેરણા આપનારી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેની હિંમત તૂટી ગઈ હતી. યુવતીએ તેના પરિવારને  કહેવાની હિંમત પણ દાખવી હશે, પરંતુ તેમની સાથે વાત  થાય એમ ન હોવાથી છેવટે તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Gujarat