મૂળ સૌરાષ્ટ્રની યુવાન મહિલા વેપારીના અંગત ફોટા જુદી-જુદી સાઈટ પર વાયરલ કરાયા
21 વર્ષીય યુવતીને 8 મહિના અગાઉ અજાણ્યાએ ઈન્સ્ટા પર અજાણ્યાએ અંગત ફોટો મોકલ્યા હતા પણ વાયરલ નહી કરૂ તેમ કહેલું
સુરત, : સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી મૂળ સૌરાષ્ટ્રની 21 વર્ષીય મહિલા વેપારીના અંગત ફોટા કોઈકે ટેલીગ્રામ ચેનલ અને જુદીજુદી સાઈટ ઉપર વાયરલ કરતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રની વતની અને સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય શૈફાલી (નામ બદલ્યું છે) પરવત પાટીયા વિસ્તારમાં કપડાનો વેપાર કરે છે.આઠ મહિના અગાઉ અજાણ્યાએ તેને ઈન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી તેનો અંગત ફોટો મોકલ્યો હતો અને કહ્યું હતું કે આ ફોટો વાયરલ નહી કરુ અને પ્રાઇવશીના કારણે હુ તને મારુ નામ નહી જણાવુ.હું ઇન્સ્ટ્રાગ્રામ આઇડી પણ ડીલીટ કરી નાખું છુ.ત્યાર બાદ તેના કોલેજના મિત્ર વૈભવે તેને વ્હોટ્સએપ મેસેજ કરી તારો ફોટો કોઈ આઈડી ઉપરથી મને મળ્યો છે તેમ કહેતા શૈફાલીએ તેની પાસે આઈડીની લીંક અને નામ માંગ્યું હતું.
પણ વૈભવે બહાના કાઢી વિગત આપી નહોતી. બાદમાં 20 ફેબ્રુઆરીએ શૈફાલીની સોસાયટીમાં રહેતી ફ્રેન્ડે ફોન કરી જાણ કરી હતી કે તારા ફોટા ટેલીગ્રામ ચેનલ ઉપર વાયરલ થયા છે. શૈફાલીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી તેની લીંક બ્લોક કરાવી હતી.પણ ત્યાર બાદ તેના ફોટા જુદીજુદી વેબસાઈટ પર વાયરલ થતા છેવટે આ અંગે તેણે ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઈન્ચાર્જ પીઆઈ એસ.એ.શાહે વધુ તપાસ હાથ ધરી છે.