Gujarat

તમારે ક્રેડિટકાર્ડ લેવું છે કહી મોબાઈલ હેક કરી રૂા. 1.30 લાખની ઠગાઈ

By GS TEAM
15 Jul 20252 mins read
તમારે ક્રેડિટકાર્ડ લેવું છે કહી મોબાઈલ હેક કરી રૂા. 1.30 લાખની ઠગાઈ

- મહેમદાવાદના યુવકની ઓનલાઈન ફ્રોડની ફરિયાદ 

- અજાણ્યા નંબરથી ફોન આવ્યા બાદ ના પાડી કોલ કટ કરતા 15 મિનિટમાં ખાતામાંથી બે ટ્રાન્જેક્શન થઈ ગયા

નડિયાદ : મહેમદાવાદના યુવકને કોઈ અજાણ્યા ગઠિયાએ તમારે ક્રેડિટ કાર્ડ લેવું છે તેમ કહી મોબાઈલ નંબર હેક કરી બેંકના ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન કરી રૂ.૧.૩૩ લાખનું ઓનલાઇન ફ્રોડ આચર્યું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ શહેરમાં નડિયાદી દરવાજા વૈદની ખડકીમાં શિલ્પન વિનોદભાઈ કા.પટેલ છ વર્ષથી એલ.એમ.બીક. કંપનીમાં માર્કેટીંગ ડીપાર્ટમેન્ટ અમદાવાદ ખાતે નોકરી કરે છે. ગઇ તા.૦૧/૦૬/૨૦૨૫ના રોજ બપોરના અઢી વાગ્યાના સુમારે શિલ્પનના ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવેલો અને જણાવેલું કે, હું એચડીએફસી બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી વાત કરૂ છું. તમારે ક્રેડિટ કાર્ડની રીક્વાયરમેન્ટ છે તેમ કહેતા તેઓએ ના પાડી કોલ કટ કરીને મુકી દીધો હતો. ત્યાર બાદ ૧૫ મિનિટ પછી ઇમેલમાં એસ.બી.આઇ.બેન્કનો ટ્રાન્જેક્સન મેઇલ આવતા જે મેઇલ ચેક કરતા રૂ. ૮૮,૮૫૮.૪૦ નું ટ્રાન્જેક્સન થયેલું હતું. જેથી એસ.બી.આઈ. ક્રેડીટ કાર્ડની એપ્લીકેસનમાં ચેક કરતા ક્રેડીટ કાર્ડમાંથી બે ટ્રાન્જેકસન થયા હતા. જેમાં બીજું ટ્રાન્ઝેક્શન રૂ. ૪૫,૦૨૭.૫૦નું થયું હતું. પરંતુ તેઓએ કોઇ ટ્રાન્જેક્સન કરેલું ન હોવાથી તુરંત જ એસ.બી.આઇ. એપ્લીકેસનની મદદથી ક્રેડીટ કાર્ડ બ્લોક કરાવ્યું હતું. પરંતુ એસ.બી.આઈ.એપ્લીકેસનમાં ટ્રાન્જેક્સન હીસ્ટ્રી બતાવેલી ન હોવાથી કસ્ટમર કેરમાં બંને ટ્રાન્જેકસન ડીસ્પુટ કરવા માટે જણાવતા તેઓએ બંન્ને ટ્રાન્જેક્સનને ડીસપુટ ક્રીએટ કરી ટીમ તપાસ કરીને જણાવશે તેમ જણાવ્યું હતું. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઉપર કંપ્લેઇનમાં જોતા બંને ટ્રાન્જેક્સન એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કોઈ અજાણ્યા ઇસમે મોબાઇલમાં ફોન કરી મોબાઇલ નંબર હેક કરી બેન્કના પ્લેટીનમ ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૧.૩૩ લાખ હાલ સુધી પરત નહીં કરી ઓનલાઇન ફ્રોડ કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે શિલ્પન વિનોદભાઈ કાછિયા- પટેલની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.