મિશન ફોર મિલીયનની વાત કરો છો , અમદાવાદમાં કયાં કેટલા રોપા રોપવા એનુ પ્લાનિંગ છે? મ્યુનિ .કમિશનર
બગીચા ખાતામા અંધેર ચાલે છે, કેટલાય બગીચામાં માળી પણ જોવા મળતા નથી
અમદાવાદ,બુધવાર,23 જુલાઈ,2025
આ વર્ષે અમદાવાદમાં ચોમાસાના અંત સુધીમાં ૪૦ લાખ રોપા-વૃક્ષ
વાવવા રુપિયા ૬૯ કરોડનો ખર્ચ કરાશે. હજુ સુધી અંદાજે ૧૧ લાખ રોપાં-વૃક્ષ વાવવામાં
આવ્યા છે. આ સ્થિતિને જોઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ બગીચા વિભાગના
અધિકારીનો ઉધડો લીધો હતો. શહેરમાં ૪૦ લાખ રોપા,વૃક્ષ વાવવાની વાત કરો છો પણ કયાં-કેટલા રોપા કે વૃક્ષ
વાવવાના છે એનુ તમારી પાસે પ્લાનિંગ છે ખરુ?
બગીચા ખાતામાં અંધેર ચાલે છે.કેટલાય બગીચામા માળી પણ જોવા મળતા નથી તેમ કહેતા
બગીચા વિભાગના અધિકારી કોઈ જવાબ આપી શકયા નહતા.
અમદાવાદમાં નાના-મોટા થઈ ૨૯૦થી વધુ બગીચા આવેલા છે. આ
ઉપરાંત ઓકિસજન પાર્ક,બાયોડાયવર્સિટી
પાર્ક તો અલગ. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા મળેલી વિવિધ વિભાગના અધિકારીઓની
બેઠકમાં કમિશનરે બગીચા ખાતાની કામગીરીને લઈ સખત નારાજગી વ્યકત કરી હતી. શહેરમાં
આવેલા બગીચાઓ પૈકી મોટાભાગના બગીચા ઓપરેશન અને મેઈન્ટેનન્સથી આપી દેવાયા છે.આ
ઉપરાંત બાકી રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચાઓ કે રોડ ઉપરની સેન્ટ્રલ વર્જથી
લઈ અન્ય જગ્યા ઉપર કરાતા પ્લાન્ટેશન માટે આઉટ સોર્સિંગથી પ્લાન્ટેશન અને લેબર પણ
ટેન્ડર કરી મંગાવાતા હોય છે. આમ છતાં બગીચા વિભાગ પાસે શિડયુલ ઉપર જેટલા માળી જોઈએ
એટલા માળી હાલમાં નથી.આ સ્થિતિને લઈ કમિશનરે બગીચા વિભાગના અધિકારીની કામગીરીને લઈ
નારાજગી વ્યકત કરી હતી. દરમિયાન બગીચા વિભાગના અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરતા
તેમણે સંપર્ક કરવાનુ ટાળ્યુ હતુ.