ઇન્સ્ટા પર રીલ વાઇરલ કરી કોન્સ્ટેબલ પાસે ખંડણી માંગનાર યોગેન્દ્ર સોલંકીની ધરપકડ
સસ્પેન્ડેડ એએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાના દોરીસંચાર ખુલી
યુવકના મોબાઇલમાંથી અધિકારી, કર્મચારીઓ, બિલ્ડર, મહિલાઓના ૫૦૦ જેટલા વીડિયો મળ્યા ઃ વીડિયો અપલોડ કરી ડિલિટ કરવાના નામે તોડ કરતો હતો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ અન્ય જિલ્લામાં રહેતા સરકારી અધિકારીઓ તેમજ પ્રતિષ્ઠિત લોકોના ફોટા સાથે વિડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર મુકી બ્લેકમેઈલ કરી રૃપિયા પડાવતો યોગેન્દ્ર ઉર્ફે બકરોને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પુછપરછમાં વટાણા વેરી દેતા સસ્પન્ડેડ એએસઆઈની દોરીસંચારથી કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારનો વીડિયો બનાવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ઝડપાયેલ આરોપી વિરૃધ્ધ અલગ-અલગ પોલીસ મથકમાં અનેક ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરના પોપટપરા શેરી નં.૨ માં રહેતા અને હાલ કોલકત્તા-મુંબઈ ખાતે રહેતા યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ તેમજ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય આગેવાન, કોન્ટ્રાક્ટર તેમજ મહિલાઓની તસ્વીરો સાથે બિભત્સ અને બદનક્ષી સાથેના આક્ષેપોવાળા વિડિયો પોસ્ટ કરતો હતો.
યોગેન્દ્ર સોલંકીએ હેડકોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર પર ગંભીર આક્ષેપો સાથેનો વિડિયો અપલોડ કરતા હેડકોન્સ્ટેબલે ગત તા.૨૫ એપ્રિલના રોજ એ-ડિવીઝન પોલીસ મથકે યોગેન્દ્ર સામે ફરિયાદ નોંધાવી ગુનોે દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને કોલકત્તાથી ઝડપી સુરેન્દ્રનગર ખાતે લાવી કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના દરોડામાં એએસઆઈ સસ્પેન્ડ થયા હતા
પોલીસે યોગેન્દ્ર ઉર્ફે બકરો સોલંકીની પુછપરછ કરતા બી-ડિવીઝન પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ચુડાસમા (એએસઆઈ)ના કહેવાથી હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારનો વિડિયો બનાવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી નરેન્દ્રસિંહ ચુડાસમા સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આંબેડકર ચોકમાં એસએમસીએ જુગારધામ પર દરોડો પાડયો હતો. તેને લઇને નરેન્દ્રસિહંને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મોબાઇલમાંથી ૪૦૦થી વધુ વીડિયો મળ્યાં
પોલીસ દ્વારા ઝડપાયેલ યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરોના મોબાઈલ ચેક કરતા અંદાજે ૪૦૦થી ૫૦૦ જેટલા અલગ-અલગ વ્યક્તિના વિડિયો મોબાઈલમાં મળી આવ્યા હતા જે વિડિયો યુવકે ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી રૃપિયા માંગ્યા હોવાનું બહાર આવ્યું હતું.
વીડિયો અપલોડ કરી ડિલિટ કરવા ખંડણી માંગતો હતો
ઈન્સ્ટાગ્રામમાં બદનક્ષીના આક્ષેપો સાથેના વીડિયો અપલોડ કરનાર યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરોની પુછપરછ કરતા વીડિયો જાતેજ બનાવતો હતો અને લોકોની તસ્વીર અને આક્ષેપો સાથે ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરી તે વીડિયોને ડિલીટ કરવા માટે તેમજ અપલોડ નહીં કરવા માટે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ગુગલ પે દ્વારા રૃપિયા મેળવતો હોવાની કબુલાત કરી હતી.