પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. યોગેન્દ્ર મકવાણાનું નિધન, કોંગ્રેસમાંથી શરૂઆત કર્યા બાદ પોતાનો પક્ષ પણ સ્થાપ્યો હતો

Yogendra Makvana Pass Away: ગુજરાતના રાજકારણમાં દલિત સમુદાયના એક અગ્રણી ચહેરા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા (તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી) ડૉ. યોગેન્દ્ર માકવાણાનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. 22 ઓક્ટોબર 1933 માં આણંદ જિલ્લાના સોજિત્રા ગામે તેમનો જન્મ થયો હતો. આજે જન્મ દિવસના એક દિવસ પહેલાં જ તેમણે વિદાય લેતાં શોક મોજું ફરી વળ્યું છે. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ડૉ. યોગેન્દ્ર મકવાણા લાંબા સમય સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી.
સંસદીય કારકિર્દી અને કેન્દ્રીય રાજનીતિ
ડૉ. યોગેન્દ્ર માકવાણાની રાજકીય કારકિર્દીનો મોટો ભાગ રાજ્યસભામાં રહ્યો હતો. તેઓ 1973 થી 1988 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા, જ્યાં તેમણે 15 વર્ષ સુધી ગુજરાત અને દલિત સમાજના હિતોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. કેન્દ્ર સરકારમાં તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી દલિત નેતાઓમાં થતી હતી.
કોંગ્રેસથી અલગ થઈ પોતાનો પક્ષ બનાવ્યો
લાંબા સમય સુધી કોંગ્રેસમાં સક્રિય રહ્યા બાદ ડૉ. યોગન્દ્ર મકવાણાએ 2008માં કોંગ્રેસથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેમણે દલિત અને બહુજન સમાજના હિતોને કેન્દ્રમાં રાખીને પોતાનો નવો રાજકીય પક્ષ 'નેશનલ બહુજન કોંગ્રેસ' (National Bahujan Congress) ની સ્થાપના કરી હતી.
જોકે, ગુજરાતમાં મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ જેવું તીવ્ર દલિત સક્રિયતા વાળું રાજકીય વાતાવરણ ન હોવાથી તેમનો આ રાજકીય પ્રયોગ સફળ થઈ શક્યો નહોતો. તેમ છતાં ગુજરાતમાં દલિત રાજકારણની દિશામાં તેમનું આ પગલું એક મહત્ત્વનો પ્રયાસ ગણાય છે.
ગુજરાતમાં દલિત રાજકારણ
ડૉ. યોગેન્દ્ર મકવાણાના નિધનથી ગુજરાતમાં દલિત રાજકારણની ચર્ચા ફરી શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં દલિતોનું રાજકીય સંગઠન ઉત્તર ભારતીય રાજ્યો જેટલું મજબૂત નથી. આવા સંજોગોમાં ડૉ. યોગન્દ્ર મકવાણા જેવા અનુભવી નેતાની ગેરહાજરી કોંગ્રેસ અને દલિત સમુદાયના રાજકીય પ્રતિનિધિત્વ માટે એક મોટી ખોટ બની રહેશે. ડૉ. યોગેન્દ્ર મકવાણાના નિધન બદલ વિવિધ રાજકીય નેતાઓ અને સંગઠનોએ શોક વ્યક્ત કર્યો છે.