મોબાઇલમાં રહેલા ફોટા બતાવી તરૂણીની સગાઇ તોડાવી નાખી
સોશિયલ મીડિયાના માધ્યમથી શખ્સે મિત્રતા કેળવી તરૂણીનો ફોટો પોતાના ફોટા સાથે એડિટ કરી વાયરલ કર્યાઃ તરૂણીના પિતા દ્વારા અંતે ફરિયાદ નોંધાવાઇ
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાને આરોપી અંકિત રાજેશ ડાભી (રહે. લખધીરપુર ગામ તા. મોરબી) વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની ૧૭ વર્ષની સગીર દીકરી અભ્યાસ છોડયા બાદ બ્યુટી પાર્લરનું શીખવા જતી હતી. ચારેક માસ પૂર્વે સગા મારફત જાણ થઇ હતી કે દીકરીના ફોટો લખધીરપુરનાં રાજેશ ડાભીનાં મોબાઇલમાં છે અને વાયરલ થયેલ છે. જેથી પુત્રીને પુછતાં ફોટો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં હોવાનું જણાવ્યું હતું. અને આ મામલે પિતા અને માતા સાથે વાતચીત કરતા તેમણે માફી માંગી હવે દીકરો આવું નહીં કરે કહ્યું હતું. જેથી ભરોસો રાખી આરોપી અંકિત વિરુધ્ધ કાર્યવાહી કરી ન હતી.
તરૂણીની સગાઇ થયેલ હતી. જે સગાઇ તોડી નાખવા આરોપીએ ફોટો દેખાડયા હતાં. અને તરૂણીની સગાઇ તોડી નાખી હતી. ઘરના સભ્યોએ તરૂણીને પૂછતા તે ગભરાઇ ગઇ હતી અને હિંમત આપતાં તેણીએ જણાવ્યું હતું કે છ માસ પૂર્વે અંકિતે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ બનાવી આઈડીમાંથી ફોટો લઇને પોતાના ફોટો સાથે એડિટ કરી તે ફોટા તેને વાયરલ કરવાની ધમકી આપી મેસેજ કરવા અને વાત કરવા દબાણ કરતો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં સવારના બ્યુટી પાર્લર જતી હતી ત્યારે બાઇક લઇને આવી સાથે લઇ ગયો હતો. પાનેલી વીડીમાં મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજારી પરત મુકી ગયો હતો. બાદમાં રાજકોટ ફરવા લઇ ગયો હતો. જ્યાં મોલમાં ફોટો પાડી લીધા હતાં. તથા આ ફોટા તરૂણીના સાસરિયા પક્ષને બતાવી તરૂણીની સગાઇ તોડાવી નાખી હતી. પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


