Gujarat

યોગ ભગાડે રોગ : ભાવનગર જિલ્લામાં બે લાખથી વધુ લોકોના યોગાભ્યાસ

By GS TEAM
22 Jun 20252 mins read
યોગ ભગાડે રોગ : ભાવનગર જિલ્લામાં બે લાખથી વધુ લોકોના યોગાભ્યાસ

- હાથબ બીચમાં શાળાના બાળકોની યોગની પ્રતિકૃતિએ આકર્ષણ જમાવ્યું

- ભાવનગર જિલ્લાની શાળા-કોલેજો, આરોગ્ય કેન્દ્રો, પોલીસ મથકો, જેલ તથા અમૃત સરોવર સહિતના સ્થળોએ 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહેભર ઉજવણી થઈ

ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આશરે બે લાખ જિલ્લાવાસીઓએ 'યોગ ભગાડે રોગ'ના સૂત્ર સાથે યોગના વિવિધ આસનો કરી સમગ્ર જિલ્લાને યોગમય બનાવી દીધો હતો. આજના દિવસે શહેર-જિલ્લાની શાળા-કોલેજો ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, પોલીસ મથકો, જેલ, આઈકોનિક સ્થળો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી.

૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લો સાચા અર્થમાં યોગમય બન્યો હોય તેવો ઠેર-ઠેર માહોલ જોવા મળ્યો હતો. શહેર-જિલ્લાની ૧,૪૯૪ શાળા-કોલેજો, આઈટીઆઈ, ૬૨ આરોગ્ય કેન્દ્રો, ૨૬ પોલીસ મથક, ભાવનગર જિલ્લા જેલ,૧૦ તાલુકા-નગરપાલિકા, મહાનગરપાલિકા કક્ષાએ યોગના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ જોડાઈ વિવિધ આસનો, યોગ, પ્રાણાયામ, ધ્યાન ધરીને યોગાભ્યાસ સાથે યોગ દિવસની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરી હતી. આ તકે યોગ કોચ દ્વારા 'યોગ ફોર વન અર્થ, વન હેલ્થ' અને 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત' થીમ હેઠળ યોગના વિવિધ આસનો કરવામાં આવ્યા હતા.આ તકે,કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદના અધ્યક્ષસ્થાને સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાનો જ્યારે મોતીબાગ ટાઉનહોલ બાજપાઈ હોલ ખાતે શહેર કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. જયારે,હાથબ બીચ ખાતે હાથબ બંગલો સરકારી શાળાના બાળકોએ યોગની પ્રતિકૃતિ બનાવી આકર્ષણ જમાવ્યું હતું. 

આ ઉપરાંત વૈકુંઠભાઈ મહેતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર-નારી ખાતે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને કર્મચારી સહિત ૫૦ લોકોએ યોગ કરી દૈનિક જીવનમાં યોગને અપનાવવા પ્રોત્સાહિત થયા હતા. જ્યારે શહેરની ખી.લ.બહેરા-મુંગા શાળા, પીએનઆર સોસાયટી અને અંકુર મંદબુદ્ધિ શાળાના ૨૪૦ દિવ્યાંગ બાળકોએ યોગાભ્યાસ કર્યા હતા. તેમજ જિલ્લાના જાંબુડા, ઓથા, ગોરિયાળી, અવાણિયા, ગોરખી, મેસણકા, દડવા, દરેડ, કાનાતળાવ, વળવાડ, રોયલ, ભંડારિયા, જૂના રતનપર, સેંજળિયા, કુડા, જેસર, ઘાંઘળી, ઠાડચ, પરવડી-૨, પરવડી, ઉમરાળા, લીંબડા ગામે અમૃત સરોવર ખાતે યોગ શિબિરો યોજાઈ હતી.

સર્વોત્તમ ડેરી અને દૂધ મંડળીઓમાં યોગ- પ્રાણાયમ કરાવાયા 

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સર્વોત્તમ ડેરી)ના સંકુલમાં અને સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત તમામ દૂધ મંડળી પર ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષીના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ડેરીના અધિકારી-કર્મચારીઓએ બહોળી સંખ્યામાં જોડાઈ પ્રાણાયામ, યોગની અલગ-અલગ કસરતો, સૂર્ય નમસ્કાર કર્યા હતા. ઋષિમુનીઓએ આપેલી યોગની અમૂલ્ય ભેટને દૈનિક જીવનમાં ઉતારવા પ્રોત્સાહિત કરી નિરોગી જીવન જીવી શકાય તે માટે કાયમી યોગાસન કરવા આહવાન કરાયું હતું.

શહેર-જિલ્લાના આઈકોનિક સ્થળોએ યોગાભ્યાસ

ભાવનગર શહેર અને જિલ્લામાં નક્કી થયેલાં આઈકોનિક સ્થળો જેવા કે વિક્ટોરિયા પાર્ક, તખ્તેશ્વર મંદિર, નિલમબાગ પેલેસ, નિલમબાગ સ્વિમિંગ પુલ ઉપરાંત જિલ્લા કક્ષાએ હાથબ બંગલો અને પાલિતાણામાં શેત્રુંજી તળેટી રોડ પર પારણા ભુવન ખાતે યોગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિકોએ હાજર રહી યોગાભ્યાસ કર્યા હતા.