Gujarat

જામનગર જિલ્લામાં વિવિધ 1396 સ્થળોએ કરાશે યોગ દિવસની ઉજવણી : 3.31 લાખથી વધુ નાગરિકો થશે સહભાગી

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં વિવિધ 1396 સ્થળોએ કરાશે યોગ દિવસની ઉજવણી : 3.31 લાખથી વધુ નાગરિકો થશે સહભાગી

International Yoga Day : પ્રાચીન ભારતની પરંપરા દ્વારા માનવજાતને મળેલી અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી તથા માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ડિસેમ્બર, 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 21મી જૂન એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોવાથી આ દિવસની પસંદગી કરવામાં આવી. ત્યારબાદ વિશ્વના મોટાભાગના દેશોએ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. 

આ વર્ષે, 11માં વિશ્વ યોગ દિવસની ઉજવણી "એક પૃથ્વી એક સ્વાસ્થ્ય" માટે યોગની થીમ પર કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત" ની થીમ પણ કેન્દ્રમાં રહેશે. આ ઉજવણી સવારે 6:00 કલાકથી યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરીને કરવામાં આવશે.

આ અંગે જિલ્લા કાલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ વિગતો આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા તેમજ તમામ તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જામનગર જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જામનગર ખાતે અને જામનગર મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી રણમલ તળાવ ગેટ નં.1 ખાતે યોજાશે.

તાલુકા અને નગરપાલિકા કક્ષામાં કાલાવડ ટાઉનહોલ, ધ્રોલ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, જામજોધપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, જોડિયા શ્રી યુ.પી.વી.કન્યા વિદ્યાલય, લાલપુર વીર સાવરકર હાઈસ્કૂલ અને સિક્કા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે પણ તાલુકા કક્ષાની ઉજવણી થશે.

આ ઉપરાંત, જિલ્લાની દરેક ગ્રામ કક્ષા, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, યુનિવર્સિટી, કોલેજો, આઈ.ટી.આઈ., દરેક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, આર્મી, નેવી, એરફોર્સના જવાનો, પોલીસ સ્ટેશનો, જિલ્લા જેલ, અને દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં અન્ય 17 સ્થળોએ પણ ઉજવણી કરાશે, જેમાં અંદાજે 22,000 નાગરિકો સહભાગી થશે. સાથે જ, તાલુકા કક્ષાએ 6 સ્થળોએ, નગરપાલિકા કક્ષાએ 4 સ્થળોએ, ગ્રામ્ય કક્ષાએ 150 સ્થળોએ, 865 શૈક્ષણિક સંસ્થાઓ તથા કોલેજોમાં, 25 સ્વૈચ્છિક સંસ્થાઓમાં, 96 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં, 205 પેટા આરોગ્ય કેન્દ્રોમાં, 26 પોલીસ સ્ટેશનો અને જિલ્લા જેલ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. આમ, સમગ્ર જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ 11માં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે 3,31,000 લોકો જોડાશે. આ ઉપરાંત, વધુમાં વધુ નાગરિકોને વિશ્વ યોગ દિવસમાં સહભાગી થવા માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિતના અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.