Get The App

બાલાસિનોરમાં કમળાએ ફરી માથું ઉંચક્યું, બે અઠવાડિયામાં 171 કેસ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
બાલાસિનોરમાં કમળાએ ફરી માથું ઉંચક્યું, બે અઠવાડિયામાં 171 કેસ 1 - image

- ગત સપ્તાહમાં નવા 35 કેસનો ઉમેરો થતા આંકડો 471

- આરોગ્ય વિભાગની ૫૨ ટીમ કાર્યરત, પરંતુ પરિણામ શૂન્ય : શહેરની તમામ આંગણવાડીઓ હજુ સુધી બંધ

બાલાસિનોર : બાલાસિનોરમાં ગત ડિસેમ્બર માસથી વકરેલા કમળાના રોગચાળાની સ્થિતિમાં હજી સુધી ખાસ કંઇ ફરક પડયો નથી. કારણ કે ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે, ગત સપ્તાહમાં નવા ૩૫ કેસનો ઉમેરો થયો છે. આ સાથે જ ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં કમળાનો ભોગ બનેલા લોકોની સંખ્યા ૪૭૧ જેટલી થઇ છે. વકરેલા રોગચાળાને ખુદ જિલ્લા કલેક્ટર અહીં દોડી આવ્યા હતા. જિલ્લા મથકે પણ મિટિંગો યોજી હતી. આમ છતાં સ્થિતિમાં ખાસ કંઇ સુધારો થયો નથી.

બાલાસિનોરમાં કમળાનો રોગચાળો વકર્યા બાદ ગત ડિસેમ્બર માસથી બંધ કરી દેવાયેલી તમામ ૨૬ આંગણવાડી આજ સુધી બંધ જ રાખવામાં આવી છે. બીજી તરફ આજના દિવસે પણ શહેરમાં બાવન ટીમ કાર્યરત હોવાનો અને સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. સામાપક્ષે વાસ્તવિક સ્થિતિ યથાવત જ છે. આરોગ્ય વિભાગની કામગીરીનું પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. ગત ૨૦ ડિસેમ્બર સુધીમાં શહેરમાં કમળાના કેસ ત્રણસોથી વધી ગયા હતા. જે આજે બે સપ્તાહમાં વધીને ૪૭૧ સુધી પહોંચી ગયા છે. એટલે કે એક સપ્તાહમાં ૧૭૧ કેસ નોંધાયા છે. 

આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગત ગુરૂવારે એક દિવસમાં શહેરમાંથી સાત નવા કેસ મળી આવ્યા હતા. અલબત્ત, બધાની તબિયત સ્થિર છે. સારવાર બાદ દર્દીઓ સાજા થઇ રહ્યાં છે. બીજી તરફ શહેરની તમામ ૨૬ આંગણવાડી ૨૦ ડિસેમ્બરથી બંધ કરાયા બાદ આજ સુધી બંધ જ છે. આંગણવાડી કાર્યકરો દ્વારા શુદ્ધ પાણીથી બપોર અને સાંજનો નાસ્તો પોતાના ઘરે તૈયાર કરીને બાળકોને ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે. નગર પાલિકા તંત્રની પણ સ્પષ્ટ બેદરકારી જોવા મળી રહી છે. કારણ કે, આટલા સમયમાં પાઇપલાઇનના લિકેજીસ શોધીને યોગ્ય સમારકામ કરાવી શક્યું નથી. એકંદરે પાલિકા અને આરોગ્ય તંત્રની બેદરકારીનો ભોગ બાલાસિનોરના નાગરિકો બની રહ્યાં છે.