સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં ભંગાર AC કોચ : એક જ કોચમાં ટુ- ટિયર ને થ્રી- ટિયર સાથે!

ભાવનગર રેલવે બોર્ડની બેઠકમાં પોરબંદરના પ્રશ્નો રજૂ : પોરબંદર-ભાવનગર 7 કલાકની મુસાફરી માટે માત્ર લોકલ ડબ્બા જ છેઃ પોરબંદર સ્ટશને લોકલ ટ્રેનો પ્લેટફોર્મ નંબર-3 પરથી ઉપડતાં હાલાકી
પોરબંદર, : ભાવનગર રેલવે ડિવિઝન ખાતે રેલવે બોર્ડની ડી.આર.યુ.સી.સી.ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોરબંદરના રેલવેના પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ થઈ હતી, જેમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં ખખડધજ હાલતમાં ફેરવાયેલા એ.સી. ડબ્બાઓ બદલવા, પોરબંદર-ભાવનગર ટ્રેનમાં એ.સી. કોચ જોડવા તથા પોરબંદર રેલવે સ્ટશને લોકલ ટ્રેનો પ્લેટફોર્મ નંબર-૩ને બદલે ૧ પરથી ઉપાડવા સહિતના પ્રશ્નોની રજૂઆત થઇ હતી.
બેઠકમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે રજૂઆત કરી હતી કે પોરબંદર-મુંબઈ-પોરબંદરમાં હાલમાં જે ટુ-ટાયર એ.સી. અને થ્રી-ટાયર એ.સી.ના ડબ્બા છે તે વર્ષો જૂના અને જર્જરિત હાલતમાં છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આ ડબ્બામાં અડધો ભાગ ટુ-ટાયર અને અડધો ભાગ થ્રી-ટાયરનો છે. એક જ કોચમાં બંને ક્લાસ હોવાથી ટુ-ટાયરનું પૂરૂં ભાડું ચૂકવતા મુસાફરોને થ્રી-ટાયરના મુસાફરોની અવરજવરને કારણે ભારે કન્જસ્ટાર્ટ (ભીડ)નો અનુભવ થાય છે. યાત્રિકો સીટ નંબર બાબતે મૂંઝવણ અનુભવે છે. આ કોચના ટોયલેટ અને બાથરૂમ પણ જૂના અને અત્યંત ખરાબ હાલતમાં છે.
પોરબંદરથી ભાવનગર વચ્ચે સવારે 7.25એ ઉપડતી અને બપોરે 1.30 એ પહોંચતી લોકલ ટ્રેનમાં 400 કિલોમીટરના સાત કલાકના લાંબા પ્રવાસમાં હાલમાં માત્ર લોકલ ડબ્બા જ ઉપલબ્ધ છે. કાળઝાળ ગરમી શરૂ થઈ રહી છે ત્યારે લાંબા અંતરના પ્રવાસમાં મુસાફરોને રાહત મળે તે માટે આ ટ્રેનમાં એક એ.સી. ડબો જોડવા માંગ કરાઈ હતી.
પોરબંદર રેલવે સ્ટેશન પરથી મોટાભાગની લોકલ ટ્રેનો પ્લેટફોર્મ નંબર-3 પરથી ઉપડે છે, જેના કારણે વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને વધુ સામાન ધરાવતા મુસાફરોને સીડીઓ ચડીને દૂર સુધી જવું પડે છે. જો પ્લેટફોર્મ નંબર-1 ખાલી હોય, તો ટ્રેનને ત્યાંથી જ ઉપાડવી જોઈએ જેથી મુસાફરોને સીધી એન્ટ્રી મળે. આ તમામ પ્રશ્ને યોગ્ય કરવા ખાત્રી અપાઇ હતી.








