Vadodara WPL Match : WPLમાં અત્યાર સુધી બે જીત અને ત્રણ હાર સાથે ગુજરાત જાયન્ટ્સ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખીને તેમની અંતિમ ત્રણ મેચમાં પૂરી તાકાત લગાવશે. કોટંબી સ્ટેડિયમમાં હોમ સપોર્ટ સામે રમવાની તક ટીમ માટે નિર્ણાયક બની શકે છે.
સાચી કોમ્બિનેશન શોધવાનું પ્રાથમિક લક્ષ્ય–હેડ કોચ માઈકલ ક્લિંગર
હેડ કોચ માઈકલ ક્લિંગરે કહ્યું, અમારી શરૂઆતની રણનીતિ પ્લેઇંગ ઇલેવન માટે યોગ્ય કોમ્બિનેશન શોધવાની હતી. મુંબઈ બાદ હવે વડોદરામાં કઈ પ્રકારનું ક્રિકેટ રમવું છે અને કયા લક્ષ્યો હાંસલ કરવા છે તે અંગે ટીમ સાથે ચર્ચા થઈ છે. પ્રથમ બે મેચમાં અમે બે મજબૂત જીત સાથે ઉત્તમ ક્રિકેટ રમ્યા, પરંતુ છેલ્લી ત્રણ મેચમાં અમે અમારી શ્રેષ્ઠ રમત રજૂ કરી શક્યા નથી. હજી ત્રણ મેચ બાકી છે અને અમે હજુ પણ સ્પર્ધામાં મજબૂતીથી ટકેલા છીએ. અહીંની પરિસ્થિતિ અલગ હોવાથી રણનીતિમાં થોડા ફેરફાર કરવાના રહેશે.
તૈયારીઓ પર વિશ્વાસ રાખવો મહત્વનો – કેપ્ટન એશ્લે ગાર્ડનર
કેપ્ટન એશ્લે ગાર્ડનરે ટીમના આત્મવિશ્વાસની પુષ્ટિ કરતા જણાવ્યું, અમે ક્યારેક સારું ક્રિકેટ રમ્યા છે તો ક્યારેક અપેક્ષા મુજબ નહીં. પરંતુ વ્યક્તિગત અને ટીમ તરીકે તૈયારીઓ પર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. ઘરઆંગણે બાકી ત્રણ મેચમાં મજબૂત પ્રદર્શન કરવાની આશા છે.
વડોદરાની પિચ પ્રમાણે ઝડપી એડજસ્ટમેન્ટ જરૂરી – રેણુકા સિંહ
સીનિયર પેસર રેણુકા સિંહે પિચ વિશે કહ્યું, અહીંની વિકેટ થોડી અલગ છે. માટી જુદી હોવાથી બાઉન્સ પણ થોડો ઓછો છે. બોલરો તરીકે પરિસ્થિતિ પ્રમાણે ઝડપી એડજસ્ટ થવું જરૂરી છે. હોમ ક્રાઉડ સામે રમવાનો ઉત્સાહ અલગ જ હોય છે.
ડેબ્યૂ સિઝનમાં આત્મવિશ્વાસ વધ્યો – અનુષ્કા શર્મા
યુવા ડેબ્યુટન્ટ અનુષ્કા શર્માએ પોતાના અનુભવ શેર કરતાં કહ્યું, આ સીઝન મારા માટે ખાસ રહી છે. મને સ્પષ્ટ ભૂમિકા આપવામાં આવી છે અને વન ડાઉન મારી નેચરલ પોઝિશનમાં બેટિંગ કરવાની તક મળી છે, જેના કારણે આત્મવિશ્વાસ વધ્યો છે. દરરોજ કંઈક નવું શીખવા મળે છે.
આગામી મુકાબલો
ગુજરાત જાયન્ટ્સ WPLની તેમની આગામી મેચમાં આ મહિના અંતમાં વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે યુપી વોરિયર્સ સામે ટકરાશે.


