પ્રતિકાત્મક તસવીર (AI Image) |
Ankleshawar accident news : ગુજરાતમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજે અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક વહેલી સવારે અત્યંત કરૂણ અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી સળગી ગઇ અને મૃત્યુ પામી.
ક્યાં સર્જાયો અકસ્માત?
કોસમડી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ આગ ભભૂકી ઊઠી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર એક મહિલાને વાહનમાંથી બહાર નીકળવાનો કોઈ મોકો મળ્યો નહોતો અને તે ઘટનાસ્થળે જ જીવતી સળગી જતાં કરૂણ મોત નીપજ્યું હતું.
અન્ય ચાર ઈજાગ્રસ્ત, હાલત ગંભીર
આ ભયાનક દુર્ઘટનામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત અને આગના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે.


