ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં કરોડોનું કૌભાંડ પકડાયું,ઈડીના ૧૯ સ્થળે દરોડા
સૌરાષ્ટ્રના ગોંડલ,જામનગર, ચોટીલા સહિત સ્થળે
સર્ચ ઓપરેશન
માત્ર ગોંડલની મેંગણી પો.ઓ.માં જ ૯.૯૭ કરોડની ગોલમાલ પકડાઈ,૬૦૬ બોગસ ખાતાથી
૧૮.૬૦ કરોડનો ચૂનો,એક કરોડ
જપ્ત,દોઢ
કરોડની રિકવરી
રાજકોટ : પોસ્ટ ઓફિસમાં સરકારી નાણાંને નુક્શાન પહોંચાડવાનો મોટાપાયે ભ્રષ્ટાચાર અને કૌભાંડ બહાર આવ્યો છે. કેન્દ્ર સરકારના ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઈ.ડી.) દ્વારા રાજ્યમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ૧૯ સ્થળોએ પોસ્ટ ઓફિસોમાં દરોડા પાડીને ગોંડલની મેંગણી, જામનગર ડિવિઝનની સુરજકરાડી, તેમજ રાવલવાડી પોસ્ટઓફિસ, ચોટીલા સહિતની પોસ્ટ ઓફિસોમાં બોગસ રિકરીંગ ખાતા ચલાવવા સહિત અનેક ગુનાહિત રીતરસમોથી સરકારને કરોડોનો ચૂનો લગાડવાનું કારસ્તાન પકડાયું છે. લાંબા સમયથી આ કારસ્તાન ચાલતું હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે ઈ.ડી.ના સત્તાવાર સૂત્રો અનુસાર ગુજરાતની પોસ્ટ
ઓફિસોમાં સરકારી નાણાંની ઉચાપત સાથે સંકળાયેલા કેસો અન્વયે ગત
તા.૨૯-૧૧-૨૦૨૪ના અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા
૧૯ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયા હતા. આ અંગે કેટલીક એફ.આઈ.આર. પણ
એ.સી.બી.-સીબીઆઈમાં નોંધાઈ છે. સબ પોસ્ટમાસ્ટર્સ
દ્વારા અગાઉ બંધ થયેલા રિકરીંગ ડિપોઝીટ ખાતા મલિન ઈરાદે ખોલીને કૂલ ૬૦૬ ખાતામાં
રૃ।.૧૮.૬૦ કરોડનું સરકારને નુક્શાન પહોંચાડી કૌભાંડ આચરાયું હતું.
રાજકોટ નજીકના ગોંડલ ડિવિઝનની મેંગણી સબ પોસ્ટ ઓફિસના સબ
પોસ્ટ માસ્ટર દ્વારા તા.૧૬-૧૦-૨૦૧૯થી તા.૨૧-૧૧-૨૦૨૨ દરમિયાન રૃ।.૯.૯૭ કરોડની ગરબડ
આચર્યાનું ખુલ્યું હતું. આ કૌભાંડ માટે એવી મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હતી કે સરકારી
ખાતાના સોફ્ટવેર (એસએપી)ના યુટિલિટી ટૂલનો ઉપયોગ કરીને મેન્યુઅલી ખોટા પેમેન્ટ
થયાની વિગતો અપલોડ કરી હતી.
જ્યારે રાવલવાડી પોસ્ટ ઓફિસમાં રિકરીંગ ખાતા એવાર બંધ થયા
હોય તે ફરી બીજી વાર કે ત્રીજી વાર બંધ કરીને જુદા જુદા ખાતાધારકોના નામે બોગસ
ક્લોઝર ડોક્યુમેન્ટ ઉભા કરીને કૌભાંડ આચર્યું હતું. તેમાં રકમ જમા કરવાને બદલે
કૌભાંડીએ આવા બોગસ ક્લોઝર ફોર્મના આધારે
બંધ કરાયેલા ખાતાની રકમ નવી સ્કીમમાં રોકેલી દર્શાવાઈ હતી.
જ્યારે સરકારને છેતરવાની અન્ય એક ચાલબાજીમાં નવા ખાતા ખોલવા માટે ગ્રાહકો
દ્વારા જે વિગતો અપાય તેનો ગેરઉપયોગ કરીને નવી પાસબૂક અપાતી પરંતુ, વાસ્તવમાં તે
ગ્રાહકોના ખાતા ખોલાતા જ નહીં.
જામનગર ડિવિઝનની સુરજકુજી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ
માસ્ટર દ્વારા જાણી બુઝીને બોગસ
દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરીને સરકારને રૃ।.૨.૯૪ કરોડનું નુક્શાન પહોચાડયું
હતું. ચોટીલા પોસ્ટ ઓફિસના સેવિંગ્ઝ બેન્ક પોસ્ટલ આસિ.દ્વારા પોસ્ટલ ડિપોઝીટ
ખાતાનો ગેરઉપયોગ કરીને રૃ।.૧.૫૭ કરોડનું કૌભાંડ આચર્યું હતું.
ઈ.ડી. દ્વારા બે દિવસ પહેલા દરોડા પાડીને રૃ।.એક કરોડની
કૌભાંડની રકમ જપ્ત કરી છે અને સ્થાવર મિલ્કતમાંથી રૃ।.૧.૫૦ કરોડની રિકવરી કરી છે.
હજુ આ અંગે ઉંડી તપાસ જારી રહી છે.
આ કૌભાંડ એટલુ મસમોટુ છે કે અનેક પોસ્ટ અઅધિકારીઓની તેમાં
સંડોવણી ખુલી રહી છે. વધુમાં ગોંડલથી પ્રાપ્ત વિગત અનુસાર મેંગણીમાં પોસ્ટ માસ્ટરે
બે વર્ષ પહેલા વિષપાન કર્યું હતું તેની પાછળ પણ દસ કરોડનું કૌભાંડ હતું. કૌભાંડીઓએ આ કૌભાંડની રકમમાંથી જમીન વગેરે ખરીદ
કર્યાનું પણ ચર્ચાય છે. પોસ્ટ ઓફિસમાં નાણાંની લેવડદેવડ ઓનલાઈન થયા બાદ તેની નબળી
કડી શોધીને કૌભાંડીઓ ઓનલાઈન એન્ટ્રી દ્વારા કૌભાંડ આચરતા હતા.હાલ પોસ્ટ ઓફિસમાં
મૂળ પોસ્ટનું કામ તો નહીવત્ થઈ ગયું છે,
મુખ્ય કામગીરી વિવિધ ખાતાઓ,
ટેક્સ સેવિંગ્ઝ ઈન્વેસ્ટમેન્ટ,
સરકારી યોજનાઓ વગેરેની કામગીરી જ રહેતી હોય છે ત્યારે આ કૌભાંડ પકડાતા ભારે
ચકચાર જાગી છે.