Gujarat

જુનાગઢના બુઢ્ઢેશ્વર મહાદેવ મંદિરમાં હર અને હરિનાં રૂપનું થતું પૂજન

By GS TEAM
18 Aug 20253 mins read
જુનાગઢના બુઢ્ઢેશ્વર મહાદેવ મંદિરમાં હર અને હરિનાં રૂપનું થતું પૂજન

યુધ્ધમાં રાજા જયદ્રથના કપાયેલા બાહુ પરનું નિલમ હોવાની લોકવાયકા : નીલમ રૂપે બિરાજિત એકમાત્ર શિવલિંગનો મહાભારત સમય સાથે જોડાયેલો અનોખો ઇતિહાસ : સવારે મહાદેવ અને બપોરે વિષ્ણુ સ્વરૂપે પૂજા વિધિ 

જૂનાગઢ, : જૂનાગઢમાં માંગનાથ રોડ પર નીચી બારીના ડેલામાં પ્રાચીન બુઢ્ઢેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અંદાજે 350 વર્ષ પુરાણા આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. પ્રાચીન મંદિરમાં નીલમ રૂપે બિરાજિત દેશનું એકમાત્ર શિવલિંગ છે. દૈનિક મહાદેવને હરિ અને હરના રૂપમાં પૂજવામાં આવે છે. જ્યાં મહાદેવની આરાધના વૈષ્ણવ સંપ્રદાય રીતી મુજબ થાય છે.

નવાબી સમયના શહેનશાહ અકબરના સમય કાળથી પૂજાતું આવતું બુઢ્ઢા બાવાનું આ શિવલિંગ હવે બુઢ્ઢેશ્વર મહાદેવના નામે શ્રધ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પ્રાચીન મંદિર કે જયાં શિવ વિષ્ણુ દ્વારકાધીશ રૂપે હવેલીમાં બિરાજમાન છે.  લોકવાયકા મુજબ 4800 વર્ષ પૂર્વે કુરૂક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુધ્ધ થયું ત્યારે સિંધના રાજા જયદ્રથના બાહુ પર નીલમ રહેલું હતું. યુધ્ધમાં જ્યારે જયદ્રથના બાજુ કપાઈ ગયા, ત્યારે કોઈ સમડી નીલમ સાથેનો તેમનો કપાઈ ગયેલો હાથ ઉઠાવી ગઈ. અકબરના સમયમાં જયદ્રથના બાહુબંધ પર રહેલ નીલમની ઘટના ઉજાગર થઈ હતી. અકબર જમના નદીના કિનારે નીકળેલ ત્યારે બે મહિલાઓ પાણી ભરવા જઈ રહી હતી, જે પૈકીની એક પનિહારીએ તેના પૂર્વ જન્મમાં સમડીના રૂપે જયદ્રથનો કપાયેલો હાથ નીલમ સાથે ઉઠાવી ગઈ હતી તેનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત, મહાભારતમાં થયેલા ઉલ્લેખ મુજબ અર્જુનના તીરે રાજા જયદ્રથનો બાહુ કપાયો હતો તે વાત પનિહારી જણાવતી હતી. કપાયેલા હાથને સમડીએ આરોગી લીધો હતો અને કોઈ ઝાડ નીચે આવેલા કૂવામાં નીલમ સાથેના હાડકા નાખીને સમડી ત્યાંથી રવાના થઈ ગઈ હતી. આ બાબતની જાણ અકબરને થતાં તેણે સત્ય જાણવા માટે પ્રયાસો કર્યા હતા અને ટીંબો ખોદાવતાં તેને કૂવામાંથી બાહુબંધ સાથે જડેલ બે અમૂલ્ય પવિત્ર શિવલિંગો મળ્યા. બાદશાહ અકબરે શ્રધ્ધાપૂર્વક શિવલિંગ રાખી પૂજન કર્યું. તેના મૃત્યુ બાદ આઝમ શાહના સમય સુધી આ શિવલિંગ ચુસ્તપણે પૂજાતા. ત્યારબાદ ગાદીએ આવેલ સુલતાન ફરૂખશીયરે પોતાના વજીર રાજા છબીલ રામ બહાદુરને શિવલિંગ બક્ષિસરૂપે આપ્યા. તેણે બે પૈકીનું એક નિલમનું પવિત્ર શિવલિંગ દયારામ નાગરને બક્ષિસ કર્યું. છબીલરામને પુત્ર ન હોવાથી તેણે પોતાની પુત્રીને કુંવરજી સાથે પરણાવી અને શિવલિંગનું પૂજન કરવા જણાવ્યું હતું. કુંવરજી દિવાનના દેહાંત બાદ છેલ્લે દિવાન રણછોડજી અને ભાઈઓએ વિ.સં.1839માં પોતાની હવેલી પાસે મંદિર બંધાવ્યું અને શિવલિંગની પ્રતિષ્ઠા કરી. 

લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયની વિધિ પ્રમાણે પૂજન

સવારે મહાદેવ અને બપોરે વિષ્ણુ સ્વરૂપે પૂજા વિધિ થાય છે. નીલમ સ્વરૂપે બિરાજિત મહાદેવનો લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયની વિધિ પ્રમાણે લઘુ પૂજન, શીંગાર, રાજભોગ, આરતી તથા સંધ્યા સમયે ઉત્થાન આરતી, સેનભોગ અને મહાપૂજાની આરતી થાય છે. વર્ષમાં વિવિધ પ્રસંગે 43 ઉત્સવો થાય છે. હિંડોળા દર્શનમાં સોનાના રૂપાના હિંડોળા બંધાય છે. શ્રાવણ માસના સોમવારે દીપમાળા આરતી દ્વારા મહાદેવની આરાધના કરવામાં આવી હતી.