World Wildlife Day | નામશેષ થઈ રહેલા ગીધોને બચાવવા વલ્ચર રેસ્ટોરન્ટ ઊભું કરવાની ભલામણ
દેશમાં ગીધની 9 પ્રજાતિમાંથી માત્ર 7 ગુજરાતમાં જોવા મળે છે
Vulture Restaurant : ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઝૂલોજીના પીએચ.ડી. સ્ટુડન્ટ મયંક જુડાલે 'ઇકોલોજિકલ અસેસમેન્ટ ઓન પાર્ટીસિપેટરી ફિડિંગ ઓફ વર્ટીબ્રેટ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રોલ ઇન ઇકોસિસ્ટમ સર્વિસિસ' વિષય પર પ્રોફેસર દિવ્યા ચંદેલ અને ડૉ.નીશિથ ધારૈયાના માર્ગદર્શન હેઠળ રિસર્ચ કર્યું છે. પર્યાવરણને થઇ રહેલા નુકસાનને લીધે ઘણી પ્રજાતિ નામશેષ થઇ રહી છે, જેમાં ગીધની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે જે એક ચિંતાજનક સ્થિતિ છે.
“પાંજરાપોળની બાજુની ખુલ્લી જગ્યાને કોર્ડન કરીને 'વલ્ચર રેસ્ટોરન્ટ'ની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ”
મયંક જુડાલે કહ્યું કે, 'સજીવ સૃષ્ટિના દરેક જીવ એકબીજા સાથે જોડાયેલા છે. મૃત પશુઓ ગીધનો મુખ્ય ખોરાક છે. જંગલો ઓછા થવા, ચેપીરોગ, પૂરતો ખોરાક ન મળવાથી તેમના જીવનચક્ર પર ઘણી અસર થઇ હતી. છેલ્લાં ઘણાં વર્ષોમાં ગીધની સંખ્યા ઘટવામાં બીમાર પશુઓમાં ઉપયોગ કરાતી ડાયક્લોફેનાક ડ્રગ્સને લીધે ગીધની કિડની ખરાબ જઇ હતી અને તેને લીધે મૃત્યુ પામતા હતા. 1990થી 2000ના વર્ષ દરમિયાન ભારતમાંથી ગીધની 90 ટકાથી પ્રજાતિ નાશ પામી . ગીધની સંખ્યા ઘટવાને લીધે મૃત પશુઓને કૂતરા, કાગડા, બગલા, ઝરખ જેવા પ્રાણીઓ ખાવા લાગ્યા છે. મારા રિસર્ચનો આધાર છે કે, મૃત પશુનો પૂરતો ખોરાક મળી રહે તે માટે પાંજરાપોળની બાજુની ખુલ્લી જગ્યાને કોર્ડન કરીને 'વલ્ચર રેસ્ટોરન્ટ'ની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી ગીધ માટે સુરક્ષિત ઈકોસિસ્ટમ વિકસાવી શકાય. મૃત પશુમાં કોઈ હાનિકારક બીમારી નથી તેનું પણ ધ્યાન આપણે જ રાખવું પડશે. આમ કરવામાં આવે તો એક નામશેષ થઈ રહેલી પ્રજાતિને આપણે બચાવી શકીશું.
વલ્ચર રેસ્ટોરન્ટ એટલે શું?
પાંજરાપોળની બાજુની ખુલ્લી જગ્યાને કોર્ડન (વાડ) કરીને તેમાં પશુઓના મૃતદેહ મૂકવાની વ્યવસ્થાને 'વલ્ચરલ રેસ્ટોરન્ટ' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કૂતરાં, ઝરખ કે બીજા જંગલી પ્રાણી જઈ ન શકે તેથી ગીધને પૂરતો ખોરાક મળી રહે છે.
ભારતમાં 9 પ્રજાતિ જોવા મળે છે
ભારતમાં કુલ 9માંથી શ્વેતપીઠ, ડાકુ ગીધ, પહાડી, ખેરો, ગિરનારી, રાજ ગીધ અને ઊજળો ગીધ જેવી સાત પ્રજાતિ જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધારે ખેરોગીધ (ઇજિપ્સન), શ્વેતપીઠ અને ગિરનારી ગીધ વધુ જોવા મળે છે. પર્યાવરણનું સ્વાસ્થ્ય જાળવવામાં ગીધ અગત્યની ભૂમિકા ભજવે છે. ગીધની સંખ્યા ઘટાડાને લીધે માનવ તથા પ્રાણીઓના સ્વાસ્થ્ય તેમજ આર્થિક રીતે ઘણાં જોખમો ઊભા કરે છે. ગુજરાતમાં બનાસકાંઠા વિસ્તારમાં વધારે પાંજરાપોળ આવેલી છે અને તે વિસ્તારમાં ગીધની સંખ્યા વધે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. ગીધની સાથે કુતરાં,જરખ જેવા પ્રાણીઓ પણ મૃત પશુઓમાંથી ખોરાક મેળવતા હોવાથી ગીધની સંખ્યા ધટી છે.