વર્લ્ડ વિઝા હબના માલિકની આગોતરા જામીન અરજી રદ
ન્યૂઝીલેન્ડની વર્ક પરમિટના બહાને ત્રણ યુવકને છેતર્યા હતા
વડોદરા : ન્યૂઝીલેન્ડની બ વર્ષની વર્ક પરમિટ અપાવવાનું જણાવી ત્રણ યુવક પાસેથી રૃા.૧૫ લાખની રકમ લીધા બાદ વિઝા ન અપાવી છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા વર્લ્ડ વિઝા હબના માલિકે આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, દત્ત ગીરીશભાઇ પટેલે તા૮ જુલાઇના રોજ માંજલપુર
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેને ન્યૂઝીલેન્ડ
જવું હોઇ તેણે આ બાબતની વાત તેના માસીના દીકરા બંસીને તેમજ મિત્ર તીર્થને કરતા
ત્રણે વ્યક્તિ વીઝાની જાણકારી મેળવવા માટે વર્લ્ડ
વિઝા હબની ઓફિસમાં ગયા હતા. વર્લ્ડ
વિઝા હબના માલિક તુષાર સપકાળે જણાવ્યું હતું કે, ન્યૂઝી
લેન્ડની વર્ક પરમિટ થઇ જશે પરંતુ તે પેટે એડવાન્સમાં ૫ લાખ આપવા પડશે.
તુષાર સપકાળની વાત પર ભરોસો મુકી ત્રણે વ્યક્તિએ રૃા.૫ લાખ
બેંકમાં અને ૧૦ લાખ આંગડીયા મારફતે મોકલી આપ્યા હતા પરંતુ ત્યાર બાદ લાંબો સમય
વીતવા છતાં વિઝા મળ્યા ન હતા. આરોપીએ ભરોસો આપ્યો હતો કે, બે
વર્ષની વર્ક પરમિટ અને માસીક રૃા.૧.૮૦ લાખથી રા.૨ લાખનો પગાર મળશે. તેણે જો વર્ક પરમિટ ન મળે તો પૈસા પર આપવાની પણ ખાતરી આપી હતી અને તે
અંગેનું એમઓયુ પણ કરી આપ્યું હતું.
જો કે, વર્ક પરમિટ ન મળતા ફરિયાદી અને તેના મિત્રએ
નાણાં પરત આપતા તુષાર સપકાળે ગલ્લા તલ્લા શરુ કર્યા હતા એટલે છેતરપિંડી થઇ હોવાનું
જણાતા આ બનાવ અંગે માજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનામાં
પોલીસ ધરપકડ કરશે તેમ જણાતા તુષાર સપકાળે આગોતરા જામીન અરજી મુકતા સરકાર તરફે
રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે અગાઉ પણ આ પ્રકારના
ગુનો નોંધાયેલો છે ત્યારે અરજદારની આગોતરા જામીન અરજી રદ કરવી જોઇએ.