આજે વિશ્વ રંગભૂમિ દિવસ: લોકકલા ભવાઈ અને તેના કલાકારો પોતાનું અસ્તિત્વ ટકાવવા સંઘર્ષરત
World Theatre Day: સાણંદના બોળ ગામમાં સમી સાંજે ઈન્ટરનેટના જમાનામાં પણ ભવાઈના ભૂંગળ દ્વારા જાહેરાત થઈ ગઈ છે. સાંજ પડતાં જ ગામના ચોકમાં માઈકના ટેસ્ટિંગની સાથે, દેશી ઢબના મેક અપ, વસ્ત્રાભૂષણ સાથે રાજવી પરિવેષમાં વિવિધ પાત્રો પડદા પાછળ જોઈ શકાય છે અને લોકકથા રાનવઘણ પ્રસ્તુત થાય છે.
ખમીર અને ખુમારીથી ભરેલી વાર્તાઓ રજૂ થાય છે
આજે પણ સૌરાષ્ટ્રના ઝાલાવાડ, હાલાર અને ગોહિલવાડમાં ભવાઈના સ્વરુપમાં સૌરાષ્ટ્રની લોકકથાઓ જેવી કે રાનવઘણ, જેસલ-તોરલ, રામાંડલિક, વીર માંગડાવાળો, રાવત રણશી અને ખેમડિયો કોટવાળ જેવી ખમીર અને ખુમારીથી ભરેલી વાર્તાઓ રજૂ થાય છે. આ વાર્તાઓમાં ખમીરવંતા સંવાદો સાથે તલવારો ખેંચાય છે, શરમ સંકોચના ઓવારણાં સાથે ઓઢણીઓ લહેરાય છે ને સાથે સાથે તાળીઓનો વરસાદ પણ થાય છે. આ વાત છે સૌરાષ્ટ્રમાં ભવાઈના સ્વરૂપમાં ગામડે ગામડે લોક સંસ્કૃતિનું સિંચન કરતો ભવૈયા સમાજની.
મોબાઈલ યુગમાં પણ સૌરાષ્ટ્રના ભવૈયા સમુદાયની આઠેક જેવી મંડળીઓના બસો જેટલા કલાકારો સૌરાષ્ટ્રની વિવિધ લોકકથાઓનું ભવાઈ દ્વારા સુંદર રસપાન કરાવે છે. આ અંગે વાત કરતાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં વસતા ભવૈયા સમાજના યુવાન આગેવાન હર્ષદભાઈ વ્યાસ કહે છે કે, 'આજના આધુનિક મનોરંજન યુગમાં પરફોર્મ કરનાર, કોરિયોગ્રાફર, મેકઅપ મેન, સ્ટન્ટ મેન બધું જ અલગ અલગ હોય છે. પરંતુ અમારી ભવાઈમાં એક જ કલાકાર મેક અપ કરે છે, સ્ટેજ તૈયાર કરે છે, ગાય છે, વગાડે છે, કરતબ કરે છે, પરફોર્મ કરે છે અને જ્યારે ભવાઈની સિઝન ન હોય ત્યારે તે મહેનત મજૂરી થકી પોતાનું ગુજરાન ચલાવે છે.'
આ પણ વાંચો: અમદાવાદમાં બે વર્ષમાં 4600થી વધુ બાળકને હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર સમસ્યા
તેમણે વધુમાં કહ્યું હતું કે, 'મારા પિતા કનુભાઈ વ્યાસે અનેક દાયકાઓથી ભવાઈ કલામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. પહેલાના સમયમાં ગામ લોકો ભવાઈ મંડળને આમંત્રણ આપી બોલાવતા.જ્યારે ભવાઈ મંડળ ગામમાં જાય ત્યારે ગામ લોકો દ્વારા ઢોલ નગારાથી સ્વાગત થતું. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવામાં રંગભૂમિનો બહુ મોટો ફાળો છે. તેમણે હરિશ્ચંદ્ર-તારામતીનો વેશ જોઈને જ સત્યનો સંકલ્પ કર્યો અને દેશને મહાત્મા ગાંધી મળ્યા.ગુજરાતમાં અસાઈત ઠાકર આધારિત ભવાઈ કલાના વેશ પ્રસ્તુત કરતાં કલાકારો તો ઘણાં ઓછા છે, પરંતુ સૌરાષ્ટ્રમાં જ ભવાઈમાંથી જ વિકસેલી અમારી આ પ્રશાખા લોકકથા આધારિત ગામડાના સામાન્ય માણસને એની બોલીમાં મોજ આવે એ પ્રકારે પ્રસ્તુતિ કરે છે અને આજે પણ ગામડાના મોબાઈલ સાથે જીવતા યુવાનોને પણ બેસવા મજબૂર કરે છે.'
હર્ષદભાઈ વ્યાસ જણાવે છે કે,' હાલમાં અમારી દસ મંડળીઓ ઝાલાવાડમાં સક્રિય છે. અમદાવાદ જિલ્લામાં વિરમગામ, સાણંદ અને બાવળા તાલુકાના અમને જૂના રજવાડાના સમયમાં ભવાઈની પ્રસ્તુતિ માટે આપેલા અનેક ગામો છે. જ્યાંના શ્રોતાઓ નિયમિત રીતે ભવૈયા સમાજને શીખ આપે છે. આ ગામો દ્વારા અપાતું અનુદાન આજે તો એક મર્યાદિત રકમ જેવું કામ કરે છે, જેમાંથી કલાકારનું સામાન્ય ગુજરાન ચાલે છે. ભવાઈની ખાસિયત એ છે કે તે સ્થાનિક ભાષામાં ગ્રામિણ લોકો પર અસર કરે છે. તો અમે ઈચ્છીએ છીએ કે આજના જાગૃતિના કાર્યક્રમો ભવાઈ થકી સ્થાનિક ભાષામાં થાય અને તેના થકી લોકકલાકારનો સાચો ઉપયોગ સામાજિક જાગૃતિ માટે કરી શકાય.'