Get The App

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન : માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત, સિંગલ્સના ખિતાબ હાંસલ

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું સમાપન : માનુષ શાહ અને ર્યુ હન્નાની શાનદાર જીત, સિંગલ્સના ખિતાબ હાંસલ 1 - image

Vadodara World Table Tennis Championship : વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં ટોચના ક્રમાંકિત અને સ્થાનિક મનપસંદ માનુષ શાહ તથા કોરિયા રિપબ્લિકની ર્યુ હન્નાએ પુરુષો અને મહિલા સિંગલ્સના ખિતાબ જીતીને સ્પર્ધામાં પોતાની પ્રભુત્વતા સાબિત કરી હતી.  

ટી.ટી.એ.બી. (ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા) દ્વારા તા.2થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત ડબલ્યુ.ટી.ટી. (વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અને વર્લ્ડ ફીડર સિરીઝ)માં ભારત સહિત 9થી વધુ દેશોના 300થી વધુ ટોચના પેડલર્સે ભાગ લીધો હતો. વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધા તા.2થી 5 જાન્યુઆરી દરમિયાન વડોદરામાં બીજી વખત યોજાઈ હતી, જ્યારે વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝ તા.7થી 11 જાન્યુઆરી દરમિયાન ભારતમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી.

ફીડર સિરીઝના અંતિમ દિવસે યોજાયેલી પુરુષો સિંગલ્સની ફાઇનલમાં માનુષ શાહે પાયસ જૈન સામે શરૂઆતની બે ગેમ હારી જતાં મુશ્કેલીમાં મુકાયો હતો, પરંતુ દમદાર પુનરાગમન કરીને 7-11, 10-12, 11-6, 11-6, 11-8થી વિજય મેળવી ખિતાબ જીત્યો. મહિલા સિંગલ્સની ફાઇનલ એકતરફી રહી, જેમાં ર્યુ હન્નાએ ક્વોલિફાયર અનુષાને 11-6, 11-6, 11-5થી હરાવી ખિતાબ હાંસલ કર્યો હતો.

ર્યુ હન્નાએ યુ યેરિન સાથે મળીને મહિલા ડબલ્સમાં પણ જીત નોંધાવી હતી. કોરિયન જોડીયે ભારતની ટોચની જોડી આયહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીને 4-11, 11-9, 11-9, 4-11, 11-9થી હરાવી ડબલ તાજ જીત્યો હતો.

પાયસ જૈન અને અંકુર ભટ્ટાચારજીએ પુરુષો ડબલ્સની ફાઇનલમાં આકાશ પાલ અને મુદિત દાનીને 12-10, 11-7, 7-11, 11-8થી પરાજય આપ્યો હતો.

ટૂર્નામેન્ટના અંતે મહાનુભવોના હસ્તે વિજેતા ખેલાડીઓને પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.