Gujarat

વર્લ્ડ કલીનરી કપમાં ભાવનગરના શેફે બનાવેલાં 'વર્લ્ડ પીસ' મોકટેલને ગોલ્ડ મળ્યો

By GS TEAM
8 Jul 20252 mins read
વર્લ્ડ કલીનરી કપમાં ભાવનગરના શેફે બનાવેલાં 'વર્લ્ડ પીસ' મોકટેલને ગોલ્ડ મળ્યો

- ભાવનગરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેવડી સિદ્ધિ હાંસલ કરી 

- ભાવનગરના શેફ તથા ગાંધીનગરના પિતા-પુત્રીએ સાથે મળી 15 વાનગીનો રસથાળ પીરસી વધુ એક ગોલ્ડ જીત્યો 

ભાવનગર : મલેશિયામાં યોજાયેલાં ગ્લોબલ વર્લ્ડ શેફ આયોજિત વર્લ્ડ કલીનરી કપમાં ભાવનગરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેવડી સિદ્ધિ હાંસલ કરી બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ૨૮ દેશના ૧૭૦૦ સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ભારતને ૪ ગોલ્ડ સહિત ૨૮ મેડલ મળ્યા છે. 

ભાવનગરના શેફ હિમાચલ મહેતાના નેતૃત્વમાં ઈન્ડિયન ક્વિનિઝ કેટેગરીમાં ગાંધીનગરમાં રહેતા દેવાંગ મહેતા અને તેમના પુત્રી ઝલેરી મહેતાએ દોઢ કલાકમાં વેલકમ ડ્રિન્કસમાં વરિયાળીના સરબતથી લઈ પાત્રા, બેક્ડ હાંડવો, મગનું શાક, જીરા બટેટા, પુરી, ફાડા ખીચડો, દહીં તિખારી, ખજૂર અંજીરની પુરણપોળી, ટોપરાના લાડું, પીનટ સેલાડ, કાંદાનો લચ્છો તથા કેરીનું અથાણું સહિતની ૧૫ વાનગીઓ સાથેની ગુજરાતી થાળી બનાવી નિર્ણયકોને પીરસી હતી. જયારે, અંતમાં મુખવાસ પેટે પાન પણ પીરસવામાં આવ્યું હતું. ગુજરાતી વાનગીની આ બહુવિધ થાળીને ગોલ્ડ મેડલ મળ્યો હતો. એ જ રીતે શેફ હિમાચલ મહેતાએ વિશ્વમાં સર્જાયેલાં અશાંતિના માહોલ વચ્ચે 'વર્લ્ડ પીસ' શિર્ષક તળે મોકટેલ બનાવ્યું હતું. રાષ્ટ્રધ્વજના પ્રતિક સમાન આ મોકટેલમાં ગ્લાસના તળિયે લીલા પાનનો ક્રશ નાંખી તેમાં દૂધ ઉમેરવામાં આવ્યું હતું. તેમાં કપૂર અને એલચીના ધુમાડા સાથે એડીબલ સ્મોકિંગ ઈફેક્ટ આપવામાં આવી હતી.જયારે, સૌથી ઉપર કેસરનું પાણી ઉમેરી તેને ટેસ્ટફૂલ બનાવવામાં આવ્યું હતું. નિર્ણાયકોએ ટેસ્ટ, પ્રેઝન્ટેશન, ટાઈમ લિમિટ, હાઈજિન તથા ઈન્ગ્રેડિયન્સ સહિતના માપદંડોના આધારે આ મોકટેલને તેના વિભાગમાં પ્રથમ ક્રમાંક આપી શેફને ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો. 

ભાવનગર સહિત દેશભરમાંથી પસંદ થયેલાં કુલ ૧૨ શેફે પણ આ સ્પર્ધાના વિવિધ વિભાગોમાં ભાગ લીધો હતો. જેમાં ભારતને ૪ ગોલ્ડ, ૮ સિલ્વર તથા ૧૪ બ્રોન્ઝ મેડલ મળ્યા છે. તે અત્રે ઉલ્લેખનિય છે.