લોથલમાં દુનિયાનું સૌથી મોટું મેરિટાઈમ મ્યુઝિયમ આકાર પામશે

- ભારતની સમૃદ્ધ સમુદ્ર વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવા
- મેરિટાઈમ મ્યુઝિયમ માટે ૩૫થી વધારે દેશોનો સહયોગ, મ્યુઝિયમનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાના આરે
લોથલ સિંધુ ખીણની સભ્યતાનું ધમધમતુ બંદર રહ્યું હતું. જ્યાંથી વિશ્વના દેશો સાથે વેપાર ચાલતો હતો. ઉપરાંત ચૌલ શાસનથી લઈ મરાઠા નૌસેના સુધી ભારત સમુદ્ર ક્ષેત્રે અગ્રણી દેશ હતો. પરંતુ કાળક્રમે દરિયામાં ભારતનો દબદબો વિસરાતો ગયો, ભારતની આ સમૃદ્ધ વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવા માટે લોથલમાં દુનિયાનું સૌથી મોટું નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ૩૫થી વધારે દેશોના સહયોગથી નિર્માણ પામવા જઈ રહ્યું છે. મેરિટાઈમ મ્યૂઝિયમનો તબક્કો પૂર્ણ થવાના આરે છે. લોથલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ મ્યુઝિયમ બનશે. જે સમૃદ્ધ ક્ષેત્રે ભારતના સામર્થ્યને દર્શાવવાનું માધ્યમ બની રહેશે. આ મ્યૂઝિયમનો ઉદ્દેશ્ય ભારતીય દરિયાઈ વારસાનું જતન અને પ્રદર્શન, વૈશ્વિક પર્યટન સ્થળ બનાવવા તથા દરિયાઈ તાલિમ અને સંશોધન કેન્દ્ર સ્થાપવાનો છે. આ મ્યૂઝિયમમાં મુલાકાતીને હડપ્પાના જીવંત યુગથી લઈ આધુનિક ભારતીય શિપિંગ સુધીના યુગની સફર કરાવશે. ૩૭૫ એકરમાં ૧૪ મ્યૂઝિયમ ગેલેરી, થીમ પાર્ક, લાઈટહાઉસ મ્યૂઝિયમ, મેરિટાઈમ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ નિર્માણ પામનાર છે.
વડાપ્રધાને લોથલ મ્યુઝિયમની મુલાકાત લીધી
ભાવનગર ખાતે સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ વડાપ્રધાન લોથલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના કામગીરીની સમિક્ષા કરી હતી.









