ભેળસેળિયા સામે પગલાં લેવામાં તંત્ર વામણું! 4 વર્ષમાં 42000થી વધુ ફૂડ સેમ્પલ લીધા પણ જુઓ કેવી કાર્યવાહી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Food Safety Day: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઇ) ખાલી નામ પૂરતું જ 'ફૂડ સેફ્ટી' છે અને વાત ખાદ્ય પદાર્થમાં ભેળસેળ પર અંકૂશની આવે તો તે સાવ પાંગળું પુરવાર થતું હોવાનું ચિત્ર સામે આવે છે. ગુજરાતમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ છે કે કેમ તે ચકાસવા માટે છેલ્લા ચાર વર્ષમાં 42790 સેમ્પલ લેવામાં આવ્યા છે. આ પૈકી 3107ને દંડ ફટકારાયો છે, 180ને સજા કરવામાં આવી છે, જ્યારે માત્ર 30ના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.
ખાદ્ય પદાર્થના સૌથી વધુ સેમ્પલ લેવામાં ગુજરાત ટોચના પાંચ રાજ્યોમાં પણ નહીં
વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતમાં 60,448 ખાદ્ય નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. તેમાં 1.45 ટકા નમૂનાઓ ધોરણ મુજબ ન હતા અને 0.17 ટકા નમૂનાઓ અસુરક્ષિત જાહેર કરાયા હતા. રાજ્યભરમાં 190થી વધુ દરોડા દરમિયાન 351 ટન શંકાસ્પદ ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત આશરે 10.5 કરોડ રૂપિયા હતી. કાયદાકીય કાર્યવાહીની વાત કરીએ તો એફએસએસએઆઈ એક્ટ હેઠળ 980 એડજ્યુડીકેશન કેસ દાખલ કરાયા હતા. તેમાંના 894 કેસનો નિકાલ કરીને 6.21 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત 87 કોર્ટ કેસોમાં 54.42 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઉપલબ્ધ સત્તાવાર માહિતી અનુસાર અખાધ્ય અથવા અસુરક્ષિત ખોરાક સંબંધિત 46 કેસોમાં 67 વ્યક્તિઓ દોષિત ઠેરવાયા હતા. તેમને કુલ 24.26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને કેટલાકને 6 મહિના સુધીની જેલની સજા પણ આપવામાં આવી હતી. ડોક્ટરોના મતે, અસુરક્ષિત ખોરાક આપણને પહેલેથી કોઈ ચેતવણી આપતો નથી. તે હંમેશા દુર્ગંધવાળો કે બગડેલો દેખાય એવું જરૂરી નથી. સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા, વાઈરસ અને અન્ય ઝેરી તત્ત્વો એવા ખોરાકમાં પણ હોઈ શકે છે જે દેખાવમાં એકદમ તાજો અને સ્વચ્છ લાગે.
ઘણાં લોકો એવું માને છે કે ફૂડ પોઇઝનિંગ માત્ર રસ્તા પર રહેલી લારી કે દુકાનો પર મળતા ખોરાકથી જ થાય છે. પરંતુ હકીકત અલગ છે. ખોરાક કોઈપણ જગ્યાએ દૂષિત થઈ શકે છે. ખોરાકને યોગ્ય રીતે ન રાખવો, ગંદા પાણીનો ઉપયોગ કરવો, માંસને પૂરતું ન રાંધવું, ફળ અને શાકભાજી સારી રીતે ન ધોવા, કાચા અને રાંધેલા ખોરાકને સાથે રાખવા તેમજ ખોરાક બનાવનાર લોકો સ્વચ્છતા ન જાળવે જેવા કારણો મુખ્ય જવાબદાર હોય છે. ભેળસેળિયા ખોરાકથી કેટલાક કિસ્સાઓમાં કિડનીને નુકસાન, લોહીમાં ચેપ અને મૃત્યુ પણ થઈ શકે છે.'
અસુરક્ષિત ખોરાક વેચવા-ઉત્પાદન બદલ શું સજા હોય છે?
•અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્ય ઉત્પાદન માટે 1 લાખ રૂપિયા સુધીનો દંડ.
•ભેળસેળ માટે વપરાતા પદાર્થ રાખવા બદલ 2 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાનો દંડ.
•ગ્રાહક બીમાર પડે કે મૃત્યુ પામે તો વળતર આપવાની જોગવાઈ છે.
•મૃત્યુ થાય તો ઓછામાં ઓછી 7 વર્ષથી લઈને આજીવન કેદ. ઓછામાં ઓછો 10 લાખ રૂપિયાનો દંડ.









