Get The App

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવાયત

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવાયત 1 - image


Jamnagar : જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10મી ઓગસ્ટથી સાતમ આઠમ સહિતના તહેવારોને અનુલક્ષીને શ્રાવણી લોકમેળો યોજાઇ રહ્યો છે, ત્યારે બાજુમાં જ આવેલા હંગામી એસટી બસ ડેપો પરથી બસોની અવરજવર માટે કોઈ તકલીફ ન પડે, તે માટે એસટી બસના રૂટો કન્વર્ટ કરવામાં આવ્યા છે, અને જામનગરથી રાજકોટ તથા ખંભાળિયા, લાલપુર અને કાલાવડ તરફ જવા માટે અલગ અલગ રૂટો પરથી એસટી બસોને કન્વર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં મેળાના મુખ્ય પાંચ દિવસ માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે. અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં તે પ્રકારે નું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવશે.

જામનગર જિલ્લાના વહીવટી તંત્ર, જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પોલીસ વડા અને તેઓની ટીમ, શહેરની ટ્રાફિક શાખા વગેરેના સંકલનના આધારે તેમજ એસ.ટી. ડિવિઝન સાથે પરામર્શ કરીને એસટીના નવા રૂટ નક્કી કરવાની પ્રક્રિયાઓ હાલ ચાલી રહી છે.

આગામી 10મી ઓગસ્ટથી પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળો યોજાતો હોવાથી નગરના ગૌરવ પથમાર્ગ એટલે કે લાલ બંગલાથી સાત રસ્તા સર્કલ સુધીના માર્ગે એક પણ એસટી બસનો રૂટ ચાલુ ન રહે, અને અન્ય સ્થળેથી કન્વર્ટ કરીને એસટી બસને લઈ જવામાં આવે, તે માટેની કવાયત કરવામાં આવી છે.

જેમાં મેળાના મુખ્ય પાંચ દિવસો એટલે કે 10 ની તારીખથી લઈને 15 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન જામનગરથી રાજકોટ જવા માટે હંગામી એસટી ડેપોથી નીકળેલી એસટી બસ મિગકોલોની તરફ જંગલેશ્વર મહાદેવના મંદિર, અને ત્યાંથી જુની આરટીઓ કચેરી, કુમાર મંદિર સ્કુલવાળો ઢાળીયો, અથવા તો ભીડભંજન મહાદેવ મંદિર સામેનો સ્પોર્ટસ કોમ્પલેક્ષવાળો રોડ અને ત્યાંથી ટાઉનહોલ થઈ તમામ એસટી બસ રાજકોટ તરફ રવાના કરાશે.

જ્યારે રાજકોટ તરફથી આવતી એસટી બસો કે જે ગુલાબનગરથી ઇન્દિરા માર્ગ અંબર સિનેમા અને ત્યાંથી પંચવટી, શરૂ સેક્શન રોડ, પાયલોટ બંગલા થઈને સાત રસ્તા અને ત્યાંથી મિગકોલોનીના માર્ગે થઈને નવા હંગામી એસટી ડેપો પર પહોંચશે. મુખ્ય મેળાના પાંચ દિવસો સાતમ આઠમ દરમિયાન એસટી બસ લાલ બંગલા તરફથી નહીં ચાલે અને તેના રૂટ કન્વર્ટ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત જામનગરથી ખંભાળિયા જવા માટે મિગકોલોનીથી જુના એસટી ડેપો રોડ અને ત્યાંથી સાત રસ્તા થઈને ખંભાળિયા તરફ જશે, અને ત્યાંથી જ બસ ફરી મિગકોલોની થઈને હંગામી એસટી બસ ડેપોના સ્થળે પહોંચશે. આ ઉપરાંત લાલપુર તરફ જતી એસટી બસ મિગકોલોની તરફના માર્ગેથી નીકળીને દિગ્વિજય પ્લોટ તરફ અને ત્યાંથી પવનચક્કી, રણજીતો સાગર રોડ થઈને લાલપુર રવાના થશે, અને ત્યાંથી જ પરત ફરશે.

 કાલાવડનો એસટી બસનો રૂટ કે જે દરબાર ગઢ કાલાવડ નાકા થઈને કાલાવડ તરફ જાય છે, તેને હાલ કન્વર્ટ કરી દેવાયો છે, અને મિગ કોલનીથી ટાઉનહોલ તરફ થઈને રાજકોટ તરફ અને ત્યાથી ગુલાબ નગર બાદ મહાપ્રભુજીની બેઠક પાસેના રસ્તેથી કન્વર્ટ કરીને ત્યાંથી કાલાવાડ ત્યાંથી આવનારી બસો ફરીથી રાજકોટની માફક પરત ફરશે. તે પ્રકારેનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે. જેની અમલવારી આગામી 10મી ઓગસ્ટથી થશે, અને તે સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વિશેષ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે.

Tags :