Gujarat

કેરાળા જીઆઇડીસીની કંપનીમાં કામ કરતા કામદારનું વીજ શોકથી મોત

By GS TEAM
20 Jun 20251 min read
કેરાળા જીઆઇડીસીની કંપનીમાં કામ કરતા કામદારનું વીજ શોકથી મોત

સેફટીના સાધનોના અભાવે ખાનગી ઔદ્યોગિક એકમોમાં કામદારોના મોતના બનાવ વધ્યા

બગોદરા -  કેરાળા જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા કામદારનું વીજ શોકથી મોત નિપજ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો લઇ બાવળા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામદારોના મોતના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે ફરી એક ખાનગી કંપનીમાં કામદારનું મોતનો બનાવ સામે આવ્યો છે. બાવળા તાલુકાના કેરાળા ગામમાં આવેલી કેરાળા જીઆઇડીસીમાં મીત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી કંપનીમાં કામ કરતા કાનજીભાઈ નારુભાઈ મકવાણા (ઉં.વ.૩૮, રહે. મૂળ ગામ ભેટાવાડા, તા. ધોળકા, હાલ રહે ગાંગડ ગામ, તા, બાવળા) કંપનીમાં કામ કરતા હતા તે દરમિયાન શોર્ટ લાગતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ કેરાળા જીઆઇડીસી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મૃતદેહનો કબજો લઇ બાવળા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોએ તેમને ન્યાય મળે તેવી પોલીસ સમક્ષ માંગ કરી હતી.