જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે PGVCLની વીજ લાઈનમાં તાર બદલવાનું કામ કરી રહેલા શ્રમિકને વીજ આંચકો લાગતાં અપમૃત્યુ
Jamnagar : જામનગર-રાજકોટ રોડ પર જાંબુડા પાટીયા પાસે વીજતંત્રની લાઈન ઉપર ચડીને વીજ વાયર બદલવા ગયેલા પર પ્રાંતિય યુવાનને એકાએક વિજ આંચકો લાગ્યો હતો અને અપમૃત્યુ થયું છે. બંધ લાઈનને બદલે ભૂલથી ચાલુ લાઈન પર ચડી જતાં વીજ કરંટ લાગ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારના વતની અને હાલ જામનગર તાલુકાના અલિયાબાડા ગામના પાટીયા પાસે ભાડાના મકાનમાં રહેતા લાલચંદ રાધે શ્યામભાઈ ભીલ નામના 30 વર્ષના યુવાનને જાંબુડાના પાટીયા નજીક ચાલુ વિજ લાઈનમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો. જેથી નીચે પટકાઇ પડતાં તેને ઈજા થઈ હતી, અને સારવાર માટે સૌ પ્રથમ જાંબુડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને વિજ આંચકો લાગવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
જે ખાનજી કોન્ટ્રાક્ટર કંપનીમાં વગેરેની સમારકામની અને નવા ફીટ કરવાની કામગીરી કરી છે. તે દરમિયાન ગઈકાલે બંધ વિજ લાઇનને બદલે ભૂલથી ચાલુ વિજ લાઈનમાં ચડી જતાં તેને વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નિપજ્યું છે. પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તપાસ ચલાવે છે.