Gujarat

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું

By GS TEAM
6 Apr 20262 mins read
TukuTouch Logo
ઇઝરાયલ, અમેરિકા-ઈરાન યુદ્ધ હજુ વધુ ભીષણ બને તેવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે ગેસની અછતની પ્લાસ્ટિક, સિરામીક સહિત અન્ય ઉદ્યોગો પર વધુ અસર વર્તાઈ રહી છે. ઉદ્યોગોને તાળાં વાગતાં હજારો કામદારો બેકાર બન્યા છે. આ સંજોગોમાં ખુદ સરકારે જ સ્વીકાર્યું છે કે, સુરત સહિત રાજ્યભરમાંથી શ્રમિકો-કામદારોનું સ્થળાંતર થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું

Gas Crisis In Gujarat: ઇઝરાયલ, અમેરિકા-ઈરાન યુદ્ધ હજુ વધુ ભીષણ બને તેવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે ગેસની અછતની પ્લાસ્ટિક, સિરામીક સહિત અન્ય ઉદ્યોગો પર વધુ અસર વર્તાઈ રહી છે. ઉદ્યોગોને તાળાં વાગતાં હજારો કામદારો બેકાર બન્યા છે. આ સંજોગોમાં ખુદ સરકારે જ સ્વીકાર્યું છે કે, સુરત સહિત રાજ્યભરમાંથી શ્રમિકો-કામદારોનું સ્થળાંતર થયું છે.

પાંચ કિલોના 54 હજાર ગેસ સિલિન્ડરનું વિતરણ કરાયું છે તો હજારો શ્રમિકો વતન કેમ ઉપડ્યા?

યુદ્ધની સ્થિતિને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગો પર સંકટ આવ્યું છે. ગેસની અછતને લીધે ઉદ્યોગો જાણે મરવાના વાંકે જીવી રહ્યા છે. ઉદ્યોગોને આર્થિક ફટકો તો વાગ્યો છે પણ સાથે સાથે મજૂરો-કામદારોએ પણ વતનની વાટ પકડી છે. સુરત રેલવે સ્ટેશને તો મજૂરોની લાંબી કતાર લાગી છે.

આ તરફ, સરકારનો દાવો છે કે, શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. શ્રમ રોજગાર વિભાગની કેન્ટીનોમાં 100 ટકા રાંધણગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શ્રમિકોને ૫ કિલો ગેસ સિલિન્ડર પણ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ૫૪ હજાર ગેસ સિલિન્ડરનું વિતરણ કરાયું છે. શ્રમિકોને ભોજન રાંધવા માટે સમસ્યા ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.

હવે સવાલ એ ઉઠ્યો છે કે, જો શ્રમિકોને ૫૪ હજાર ગેસ સિલિન્ડર અપાયા હોય ભોજનની વ્યવસ્થા હોય તો પછી હજારો-લાખો મજૂરો-કામદારો વતન તરફ કેમ ભાગી રહ્યાં છે. ગુજરાત છોડી કેમ સ્થળાંતર કરવા મજબૂર બન્યાં છે? ખુદ સરકારે સ્વિકાર્યુ છેકે, વલસાડ, નવસારીમાં ઓછા શ્રમિકોએ સ્થળાંતર કર્યું છે. પણ સુરતમાં સ્થળાંતર કરનારાં મજૂરો-કામદારોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત વર્ષ 2025ની સરખામણીમાં વર્ષ 2026માં અંદાજિત 50ટકા શ્રમિકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે. આનો સીધો અર્થ એ છેકે, ગુજરાતમાં શ્રમિકોનું સ્થળાંતર જારી છે.