Gujarat

ધ્રાંગધ્રામાં સુરક્ષા સાધનો વગર કામ કરતા શ્રમિકનું વીજ કરંટથી મોત

By GS TEAM
15 Oct 20252 mins read
ધ્રાંગધ્રામાં સુરક્ષા સાધનો વગર કામ કરતા શ્રમિકનું વીજ કરંટથી મોત

બેદરકાર કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની માંગ

જોખમી કામ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને સેફટીના સાધનો પૂરા પાડવામાં નહીં આવતા હોવાની ફરિયાદો

ધ્રાંગધ્રાસુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કામોમાં કામ કરતા કોન્ટ્રાક્ટર બેદરકારીના લીધે વધુ એક વ્યક્તિના મોતનો બનાવ સામે આવ્યો છે. સરા-ધ્રાંગધ્રા રોડ પર ચિત્રોડી નજીક બ્રીજના કામમાં કોન્ટ્રાકરની બેદરકારીના લીધે દાધોળિયા ગામના એક જ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એક વખત ધ્રાંગધ્રા ખાતે વીજ વાયર ખેંચવાનું કામ કરતા પરપ્રાંતિય શ્રનિકનું મોત નિપજ્યું હતું.

 

ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પોલ પર વીજ વાયરો ખેંચવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે. એજન્સીના કોન્ટ્રાકટર દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને વાયર ખેંચવા માટે કામ પર રાખવામાં આવ્યા છે.કુડા રોડ નજીક વીજ પોલ પર વાયર ખેંચવાનું કામ કરતા ઇન્જમુલ જમીરુલીસલામ હક (ઉ.વ.૧૯, રહે, બલરામપૂર, પ.બંગાળ)ને અચાનક જોરદાર વીજ શોટ લાગતા અન્ય શ્રમિકો દ્વારા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં શ્રમિકનું મોત થયું હોવાનું ફરજ પરના ડોક્ટરે જાહેર કરતા મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

 

જાહેરનામાનો ભંગ અને બેદરકારી છતાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી નહીં

વીજ વાયરનું જોખમી કામ કરતા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા શ્રમિકોને કોઈ પણ જાતની સેફ્ટી અંગેના સાધનો આપવામાં આવ્યા નહોતા. આ સાથે જિલ્લા કલેકટર દ્વારા દરેક પરપ્રાંતિય સભ્યોનું સ્થાનિક પોલીસ મથકે નોંધ કરાવવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે છતાં તેનું પણ પાલન થયું ન્હોતું. ભોગ બનનાર શ્રમિક મજૂર વર્ગના અને પરપ્રાંતીય હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા શ્રમિકના મોત બાદ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાને બદલે ન્યાય મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.