Gujarat

બગોદરાની ખાનગી કંપનીમાં કામદારને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું

By GS TEAM
21 Jun 20251 min read
બગોદરાની ખાનગી કંપનીમાં કામદારને વીજ કરંટ લાગતા મોત નિપજ્યું

- ગુરૂવારે કેરાળા જીઆઇડીસીમાં કામદારનું વીજ શોકથી મોત થયું હતું

- સેફટીના સાધનોના અભાવે ખાનગી ઔદ્યોગિક એકમોમાં કામદારોના મોતના બનાવ વધ્યા

બગોદરા : અમદાવાદ ગ્રામ્ય પંથકમાં બે દિવસમાં બે કામદારોના વીજ કંરટથી મોત નીપજ્યું છે. આજ રોજ બગોદરામાં આવેલી મારૂતિ સ્પુન પાઇપ કંપનીમાં કામ કરતા કામદારને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઇ પીએમ માટે હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં કામદારોના મોતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. જેમાં બાવળા તાલુકાના કેરાળા જીઆઇડીસી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં ગાંગડ ગામના કામદારનું વીજ કરંટ લાગતા ગઈકાલે મોત નીપજ્યું હતુ ત્યારે હવે બગોદરા ગામે આવેલી મારૂતિ સ્પુન પાઇપ કંપનીના કર્મચારીને વીજ શોક કરંટ લાગતા મોત નિપજ્યું છે.

મારૂતિ સ્પન પાઇપ કંપનીમાં રહેતા અને મૂળ બિહારના છોટેલાલ જીએન મહતો (ઉં.વ.૪૫)પતરાના સેડ વાળા દરવાજાને વેલ્ડીંગ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક વીજ કંરટ લાગતા તેમનું મોત નીપજ્યું હતું. બગોદરા પોલીસે મૃતકનું બગોદરા આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બાવળા તાલુકામાં ખાનગી કંપનીઓમાં કામદારોના મોતના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે કામદારોની સુરક્ષા અંગે સેફટી વિભાગ કેમ કોઈ પગલા લેતું નથી તે પણ સવાલ ઊઠી રહ્યા છે.