Gujarat

આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત

By GS TEAM
27 May 20261 min read
આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત

કોન્ક્રિટ મિક્સ કરવાના ટીએમ મશીને મજૂરને અડફેટે લીધો

દાઠા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર કોન્ક્રિટ મિક્સર મશીનના ચાલક સામે ગુનો નોંધાયો

ભાવનગર - તળાજા તાલુકાના આમળા ગામની સીમમાં આવેલી પવનચક્કીની સાઈડમાં કોન્ક્રિટ મિક્સ કરવાના મશીને શ્રમિકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં શ્રમિકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે દાઠા પોલીસે ગુનો નોંધ્યો છે.

તળાજા તાલુકાના આમળા ગામે ચાલી રહેલા કે.પી.એનર્જીમાં કન્સ્ટ્રક્શનનું કામ કરી રહેલી રાજ તિલક કંપનીમાં સિવિલ કોરન્ટ્રેક્ટના સુપરવાઈઝર હંસરાજભાઈ ઉર્ફે હિતેશભાઈ નરસિંગભાઈ જાદવે દાઠા પોલીસ મથકમાં જીજે-૦૧-જેટી-૨૦૭૪ નંબરના કોન્ક્રિટ મિક્સ કરવાના ટીએમ મશીનના ચાલક શિવનાથ તુલસી ઠાકુર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આમળા ગામે કે.પી.એનર્જી કંપનીની પવનચક્કીની સાઈટમાં પવનચક્કીના ફાઉન્ડેશનનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં મજૂરો મોડી રાતે કામ કરી રહ્યાં હતા અને આજે વહેલી સવારના સમયે ફાઉન્ડેશનમાં કોન્ક્રિટ ખાલી કરવા ઉક્ત મશીનના ચાલકે મશીન રિવર્સમાં લેતા કંપનીના મજુર મનોજ નેપાલ મરાણ્ડી (ઉ.વ.૩૩)ને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને સારવાર માટે તળાજા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે દાઠા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.