લિફ્ટમાં પહેલા માળે જતા શ્રમજીવીનુ માથુંં એંગલમાં ફસાઇ જતા મોત

વડોદરા,નવા મકાનના કામકાજ દરમિયાન લિફ્ટમાં પહેલા માળે જઇ રહેલા કારીગરનું માથું લિફ્ટ અને એંગલ વચ્ચે ફસાઇ જતા ગંભીર ઇજા થતા મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ન્યૂ સમા રોડ અંબિકા નગરમાં રહેતા ૩૭ વર્ષના સંજયભાઇ રણછોડભાઇ પ્રજાપતિ આજે બ્રાઇટ સ્કૂલની બાજુમાં વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાન માલિક તેજસ દેસાઇના ઘરે ટાઇલ્સનું કામ કરતા હતા. તેમણે સાથે કામ કરતા કારીગરને થોડે દૂર ચાલતી બીજી સાઇટ પરથી સામાને લેવા મોકલ્યો હતો. તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળે લિફ્ટમાં જઇ રહ્યા હતા. લિફ્ટ ચારે તરફથી ખુલ્લી હતી માત્ર એક થી દોઢ ફૂટની પાળી હતી. લિફ્ટમાં ઉપરના માળે જતા સમયે લિફ્ટ અને એંગલ વચ્ચે તેમનું માથું ફસાઇ જતા ગંભીર ઇજા થઇ હતી. તેમણે માથું બહાર કાઢતા એંગલ સાથે ફસાઇગયા હોવાનું અનુમાન હાલમાં સેવાઇ રહ્યું છે. હરણી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.








