Gujarat

તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી

By GS TEAM
29 Mar 20261 min read
તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી

- ખાતમુહૂર્ત થયાને 4 માસ વિત્યા, 11 માસમાં કામ પૂર્ણ થશે ?

- રજવાડા વખતનો પુલ બંધ થતાં સામાકાંઠાના રહિશોની ચિંતા વધી, કામની ગતિ વધારાશે : ઈજનેર

તળાજા : તળાજામાં તળાજી નદી પર નવા બ્રિજના નિર્માણનું ચાલી રહેલું કામ મંથરગતિએ થતું હોવાના કારણે વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તળાજી નદીના સામાકાંઠે રહેણાંક સોસાયટી, સરકારી કચેરીઓ, મોડેલ સ્કૂલ, કોર્ટ વગેરે આવેલી છે. તળાજામાં આવવા-જવા માટે તળાજી નદી પર રજવાડાના સમયમાં બનેલો પુલ ઉપયોગી હતી. પરંતુ કોન્ટ્રાક્ટની અણઆવડતથી આ પુલના રોડ ઉપર તિરાડ પડી જતાં તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયો છે. જ્યારે કોલેજ તરફ જતો નદી પરનો નાનો પુલ તોડીને નવા પુલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તેમાં મંદગતિએ કામ ચાલતું હોવાના કારણે સમયમર્યાદામાં પુલનું કામ પૂર્ણ થાય તેવું લાગી રહ્યું નથી. ચોમાસાના સમયમાં ભીડભંડજન મહાદેવ મંદિરનો કેટલોક ભાગ વરસાદી પાણીમાં ડૂબી જાય છે. વધુ વરસાદ હોય તો સામાકાંઠે પાણી ભરાઈ જવાનો ડર રહે છે. આવા સંજોગોમાં રજવાડાના સમયનો પુલ ખૂબ જ ઉપયોગી હોય, તે પણ બંધ કરાતા સ્થાનિકોમાં અત્યારજી જ ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. પુલના ધીમા કામ બાબતે માર્ગ અને મકાન વિભાગ-તળાજાના ઈજનરે ચોટલિયાએ જણાવ્યું હતું કે, ખાતમુહૂર્તને ચારેક માસ થયા છે, ૧૧ માસમાં કામ પૂર્ણ કરવાનું છે. આગામી સમયમાં કામની ગતિ વધશે તેવો દાવો કર્યો હતો.