Vadodara RTO Office : વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે એઆઈ આધારિત આધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનાની કામગીરી હાથ ધરાતા તા. 23 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયા સ્થગિત કરાઈ છે.
રાજ્યભરની તમામ આરટીઓ કચેરીઓમાં તબક્કાવાર રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઇવિંગ ટ્રેક સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં પણ આરટીઓ ખાતે પણ એ આઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ ટ્રેકના સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ કેમેરા અને વાયરિંગની કામગીરી હાથ ધરાશે. સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થઈ જાય તેવો પ્રયાસ છે. નવા ટ્રેક પર લગભગ 18 હાઇ-રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે, જે અરજદારની દરેક ડ્રાઇવિંગ મૂવમેન્ટને સ્વયં રેકોર્ડ કરશે. હાલના ચાર ટેસ્ટ સ્ટેજ-રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ-ઉપરાંત નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ કરીને વધુ વાસ્તવિક પરિસ્થિતિ ઉભી કરવામાં આવશે. હાલની મેન્યુઅલ સિસ્ટમમાં વારંવાર સર્વર ડાઉન અથવા ટેકનિકલ ખામી સર્જાતી હોવાને કારણે મુશ્કેલીઓ આવતી હતી, જ્યારે નવી એઆઈ સિસ્ટમમાં આ પ્રકારની ખામી દૂર થવાનો દાવો છે.


