પાક નુકશાનીનો સર્વે : જિલ્લાના 699 પૈકી 550 થી વધુ ગામમાં પંચરોજ કામ સહિતની કામગીરી પૂર્ણ

- કમોસમી વરસાદના પગલે ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ખેતી પાકને ભારે નુકશાન
- ખેડૂતોની ફરિયાદ સહિતની કામગીરી માટે તાલુકાકક્ષાએ અને જિલ્લાકક્ષાએ કંટ્રોલરૂમની રચના
ભાવનગર જિલ્લાના તમામ તાલુકા એટલે કે ૧૦ તાલુકા અને એક સીટી તાલુકા એમ ૧૧ તાલુકામાં સમાવિષ્ટ ૬૯૯ ગામોમાં સતત વરસાદના કારણે તમામ પાકોમાં નુકસાની અંગેની રજૂઆત મળી હતી. ભાવનગર જિલ્લાની પાક પદ્ધતિ જોઈએ તો જિલ્લાના ચોમાસુ સિઝનના કુલ વાવેતર પૈકી ૮૦ ટકા જેટલું વાવેતર કપાસ અને મગફળીનું થયુ હતુ તેથી કપાસ અને મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળ્યું હતું. પાક નુકસાનીના આકલન અને પંચ રોજકામ સર્વે કામગીરી માટે જિલ્લાના તમામ ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી અને અન્ય સ્થાનિક કર્મચારીઓ સાથેની ટીમની રચના કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ટીમો દ્વારા તમામ ગામની મુલાકાત લઇ ગામના સરપંચ અને ગામના ખેડૂત આગેવાનો સાથે નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી પંચરોજકામ કામગીરી કરવામાં આવી છે, જેમાં આજે તા. ૨ નવેમ્બરની સાંજ સુધીમાં ૫૫૦ થી વધારે ગામોમાં પંચરોજકામ સહિતની કામગીરી પૂર્ણ કરીને જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. બાકી રહેતા ગામોમાં કામગીરી શરૂ છે અને આવતીકાલે વહેલી સવારથી આ કામગીરી શરૂ કરી બપોર સુધીમાં જિલ્લાના તમામ ગામોની કામગીરી પૂર્ણ કરાવવાનું આયોજન છે. 
ઉપરાંત ગ્રામ્ય કક્ષાએથી પંચરોજકામ આધારે ગામ વાર પાક વાર વાવેતર વિસ્તાર સામે નુકસાનગ્રસ્ત વિસ્તાર સહિતની વિગતો મળી રહે તે માટે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમની રચના કરવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં જિલ્લાના તમામ ગામોનો અહેવાલ તૈયાર કરી સબમીટ કરવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

