Get The App

વડોદરા RTOમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની કામગીરીનો પ્રારંભ

ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ધક્કાથી મળશે છૂટકારો

વાહનના પસંદગીના નંબર મેળવવાની તક, નવી સિરીઝ ખુલશે

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા RTOમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની કામગીરીનો પ્રારંભ 1 - image

વડોદરા RTO કચેરી ખાતે ટેકનિકલ ઇસ્યુના કારણે અવાર નવાર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ થવાથી પરેશાન અરજદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની કામગીરીનો પ્રારંભ થતા ટૂંક સમયમાં લોકોને તેનો લાભ મળી રહેશે.

વડોદરા શહેરના છેવાડે આવેલ દરજીપુરા RTO ખાતે એકમાત્ર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી દક્ષિણ - પશ્ચિમ વિસ્તારના તથા નજીકના ગામોમાંથી લોકો લાંબુ અંતર કાપીને કચેરી પહોંચતા હોય છે. પરંતુ, છાશવારે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાય છે. જી સ્વાન નેટ કનેક્ટિવિટીમાં ડેટા ફેચની એરરના કારણે પાછલા એક મહિનામાં 8 દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ખોરવાઈ હતી. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ સેન્સર ટેકનોલોજી જોઈએ તેટલી સફળકારક નહીં નિવડતા લોકોને આ સમસ્યાથી છુટકારો અપાવવા ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ આરટીઓમાં નવી ટેકનોલોજી વિકસાવવા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની તબક્કાવાર કામગીરી હાથ ધરાઇ છે. હવે વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી શરૂ થઈ છે. હાલ ટ્રેક આસપાસ AI બેઝ સેન્સર તથા કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. નવી ટેક્નોલોજીમાં માનવીય હસ્તક્ષેપ નહિવત્ રહેતા ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે તથા આ સિસ્ટમ ઓનલાઇન અને ઓફલાઈન બંને મોડ પર કાર્યરત રહેતી હોવાથી સર્વર બંધ થાય તો પણ ટેસ્ટિંગ પ્રક્રિયા અટકશે નહીં તદુપરાંત હાલમાં મર્યાદિત સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય છે. જ્યારે નવી સિસ્ટમમાં માર્કિંગ સિસ્ટમ અમલી બનશે તેમ જાણવા મળે છે.

વડોદરા RTOમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની કામગીરીનો પ્રારંભ 2 - image


બે દિવસથી બંધ ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા પુનઃ શરૂ થતા અરજદારોને રાહત

પાછલા બે દિવસથી ફરી ડેટા ફેચની એરર ઉદ્ભવતા અરજદારો ભારે મુશ્કેલીમાં  મુકાયા હતા. અને અંદાજિત 500થી વધુ અરજદારોના ટેસ્ટ રિ - શિડયુલ કરવાની નોબત આવી હતી. આજે બુધવારે સર્વર ફરી શરૂ થતા રિ - શિડયુલ  તથા ટેસ્ટ આપવા માટે આવેલા અરજદારો RTO કચેરી ખાતે ઉમટી પડતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વાહનોની લાંબી કતારો સાથે ભારે ઘસારો જોવા મળ્યો હતો. અને સાંજ સુધીમાં ટુ-વ્હીલરના 207 અને ફોર વ્હીલરના 152 ટેસ્ટ થયા હતા.

વાહનના પસંદગીના નંબર મેળવવાની તક, નવી સિરીઝ ખુલશે

વડોદરા આર.ટી.ઓ ટુ-વ્હીલર / ફોર વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન , સીલ્વર નંબરની ફાળવણી તથા અન્ય સીલેક્ટેડ નંબરો માટે ઈ- ઓક્શન પ્રક્રિયા હાથ ધરશે. ટુ-વ્હીલર માટે નવી સીરીઝ GJ06SH અને ફોર વ્હીલર માટે નવી સીરીઝ GJ06RDના નંબરો માટે તા. 9 જુલાઈ સાંજે 4 કલાકેથી તા.11 જુલાઈ સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તા.11થી 13 સુધી બિડિંગ ઓપન રહેશે. તેમજ વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી 7 દિવસની અંદરના CNA ફોર્મ જમાં કરાવનાર  જ હરાજી માટે અરજી કરી શકશે.
Tags :