Gujarat

પાસપોર્ટ ઓફિસમાં કામગીરી ઠપ સવારથી આવેલા અરજદારો હેરાન

By GS TEAM
19 Jun 20252 mins read
પાસપોર્ટ ઓફિસમાં કામગીરી ઠપ સવારથી આવેલા અરજદારો હેરાન

વડોદરા, તા.19 વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસમાં આજે ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ થઇ જતાં અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવીને આજે સવારથી પહોંચેલા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. ખાસ કરીને તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરનારાઓને તત્કાલનો લાભ નહી મળતાં હેરાન થવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિદેશ જવા માટે મહત્વનો દસ્તાવેજ ગણાતો પાસપોર્ટ મેળવવા માટે દેશના નાગરિકોને સરળતા રહે તે માટે તેનું ખાનગીકરણ કરીને મોટા શહેરોમાં પાસપોર્ટ સેન્ટરો ઉભા કરી દેવાયા છે. વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં શહેર ઉપરાંત આજુબાજુના ગામો તેમજ અન્ય શહેરોમાંથી લોકો મળેલી એપોઇન્ટમેન્ટ મુજબ આવી ગયા હતાં. પરંતુ ટેકનિકલ ખામી દર્શાવી પાસપોર્ટ માટેની કામગીરી આગળ વધી જ ન હતી અને લોકો બહાર ઉભા રહીને પોતાનો નંબર આવે તેની રાહ જોતા હતાં.

થોડા સમય બાદ પાસપોર્ટ ઓફિસની બહાર એક બોર્ડ મૂકી દેવાયું હતું જેમાં પાસપોર્ટ માટે અરજી કરનારાઓની એપોઇન્ટમેન્ટ ટેકનિકલ કારણોના કારણે કેન્સલ કરી દેવાનું કારણ દર્શાવાયું હતું. સવારથી બપોરે અઢી વાગ્યા સુધી અરજદારો પોતાની એપોઇન્ટમેન્ટની રાહ જોઇને બેઠા બાદ છેલ્લે પરત જવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તત્કાલ પાસપોર્ટ મેળવવા માટે લીધેલી એપોઇન્ટમેન્ટ માટે આજે કામ નહી થતાં પાસપોર્ટ માટે બહારગામથી અથવા શહેરમાં દૂર દૂરથી આવેલા લોકોને ફરી ધક્કો ખાવાનો વારો આવ્યો છે. જ્યારે નોર્મલ પાસપોર્ટ મેળવવા માંગતા લોકોને હવે નવા શિડયૂલ પ્રમાણે સપ્તાહ પછીની તારીખ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં રોજ આશરે ૬૦૦ જેટલા અરજદારોને પાસપોર્ટ માટેની કામગીરી થાય છે.

પાસપોર્ટની નકલ મેળવવા માટે અમદાવાદનો ખવડાવાતો ધક્કો

વડોદરા ઓફિસમાંથી પાસપોર્ટની કામગીરી કર્યા બાદ કોઇ અરજદારનો પાસપોર્ટ ખોવાઇ ગયો હોય ત્યારે અરજદાર પાસપોર્ટ ઓફિસમાં આરટીઆઇ કરીને પાસપોર્ટની નકલ મેળવવા માંગે તો તેને છેક અમદાવાદ બોલાવવામાં આવે છે. આ કામગીરી ખરેખર વડોદરાથી થવી જોઇએ તેવી માંગણી પણ થઇ રહી છે.

પાસપોર્ટ ઉપરાંત પીસીસીની કામગીરીને પણ અસર

વડોદરા પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે નોર્મલ અને તત્કાલ એપોઇન્ટમેન્ટ તેમજ પીસીસીની કામગીરી થતી હોય છે. આજે બધી કામગીરી ટેકનિકલ કારણોના કારણે બંધ રહેતા અનેક લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. મહત્વની બાબત એ છે કે બહાર ઉભેલા અરજદારોને સાચું કારણ જાણવા માટે અંદર પણ જવા દેવાતા ન હતાં.