ઠંડીમાં વહેલી સવારે ડુંગર સર કરવા 423 સ્પર્ધકોએ દોટ મૂકી : પ્રથમ 20 વિજેતાઓને 2.34 લાખના ઇનામો અર્પણ : રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટીફીકેશન ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરાયું
ધોરાજી, : ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે છઠ્ઠી ઓસમ ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા યુવા શક્તિના જોમ-જુસ્સા અને ઉત્સાહ સાથે સંપન્ન થઇ હતી. આ સ્પર્ધામાં 423 સ્પર્ધકોએ પોતાનું કૌવત બતાવ્યું હતું. ભાઇઓમાં પ્રથમ વિજેતા સીદસરના યુવાને 9 મિનિટ 42 સેકન્ડમાં જ્યારે બહેનોમાં પ્રથમ વિજેતાં ધજાળાની યુવતીએ 12 મિનિટ 11 સેકન્ડમાં ડુંગર સર કર્યો હતો. આ સ્પર્ધાના વિજેતાઓ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ભાગ લેશે.
ધોરાજીના પાટણવાવ ગામે ઓસમ પર્વત ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધામાં વિવિધ જિલ્લાના 423 સ્પર્ધકોએ પોતાનું કૌવત બતાવ્યું હતું. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ભાઇઓમાં 9.42 મિનિટ સાથે મારવાણીયા વિહાર પ્રથમ ક્રમાંકે તેમજ બહેનોમાં 12.11 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે બાવળીયા ત્રિશા વિજેતા થયા હતા. પાટણવાવ ખાતે ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઇ તળેટીએ સ્પર્ધકો પરત પહોંચ્યા હતા.ઓસમ ડુંગરમાં યોજાયેલી છઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને 2.34 લાખના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને વિજેતા સ્પર્ધકો આગામી દિવસોમાં ગિરનાર ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ખેલાડીઓને અપાયેલા ચેસ્ટ નંબર તથા રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું.


