નવી મુંબઈમાં ગઈકાલે રમાયેલા વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં પણ મનાવાયો

Jamnagar : નવી મુંબઈમાં ગઈકાલે આઈ.સી.સી. મહિલા વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં આફ્રિકાની મહિલા ટીમને જબરી શિકસ્ત આપીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમેં શાનદાર જીત મેળવીને વિશ્વવિજેતાનો ખિતાબ હાંસલ કર્યો હતો, જે ભવ્યજીતનો જશ્ન જામનગરમાં પણ ઉજવાયો હતો, સાથોસાથ વુમન પાવર પણ જોવા મળ્યો હતો.
જામનગરના હવાઈચોક વિસ્તારના શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના મહિલા કોર્પોરેટરો, અન્ય મહિલા કાર્યકરો ઉપરાંત સ્થાનિક વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર મનીષ કનખરા તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ, ક્રિકેટ પ્રેમીઓ વગેરે રાત્રીના સમયે એકત્ર થયા હતા, અને ભારતની મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની, તેની જીતના જશ્નને મનાવવા માટે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, સાથોસાથ ઢોલ નગારાના તાલે તેમજ તિરંગો ઝંડો ફરકાવીને રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી, અને ભારતની મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમેં જ્યારે ગઈકાલે દેવ દિવાળીના તહેવારના દિવસે જ સમગ્ર ભારતવાસીઓને દેવ દિવાળીની વિશેષ ભેટ આપી હોવાથી નગરમાં ભવ્ય આતશબાજી પણ જોવા મળી હતી.

