બોપલમાં મહિલાને ઇ-ચલણની લીંક મોકલી રૂ. ૭.૨૩ લાખ ઉપાડી લેવાયા
વોટ્સએપથી આપેલી લીંક ડાઉનલોડ કરી હતી
છેતરપિંડી કરતી ગેંગ દ્વારા એપીકે ફાઇલ મોકલીને ફોનનો કંટ્રોલ લઇને બેંક સહિતના તમામ ડેટા મેળવી લેવાયા
અમદાવાદ,શનિવાર
ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા હવે ટ્રાફિક વિભાગના ઇ-ચલણને ભળતી લીંક મોકલીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે. જેમાં બોપલમાં રહેતી એક મહિલા સાથે રૂપિયા ૭.૨૩ લાખની અને પાલડીમાં યુવકના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા.
શહેરના બોપલના ઘુમામાં આવેલા ઘુમા એવરગ્રીન સોસાયટીમાં રહેતા સેજલબેન દલવાડીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમને દોઢ મહિના પહેલા તેમને વોટ્સએપ પર ઇ-ચલણની એક લીંક મોકલી હતી. જેથી આરટીઓની લીંક સમજીને તેમણે ડાઉનલોડ કરી હતી. પરંતુ, થોડીવારમાં તેમનું વોટ્સએપ હેક થઇ ગયું હતું. જેથી તેમણે અનઇન્સ્ટોલ કરી દીધું હતુ. બીજા દિવસે તેમણે ફરીથી વોટ્સેપ ઇન્સ્ટોલ કર્યું હતું. ત્યારે ફરીથી અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. પરંતુ, તેમણે ધ્યાન આપ્યું નહોતું. પરંતુ, તેમને જાણવા મળ્યું હતું કે વોટ્સએપ હેક કરીને ઓનલાઇન છેતરપિંડી કરનાર વ્યક્તિએ તેમના વોટ્સએપથી અન્ય લોકોને પણ એપીકે ફાઇલની લીંક મોકલી હતી.
અન્ય બનાવમાં પાલડીમાં આવેલા અષ્ટાપદ સોસાયટીમાં રહેતા અંકિતભાઇ પટેલે અજાણ્યા નંબરથી ઇ-ચલણની લીંક મોકલ્યો હતો. જે ડાઉન લોડ થતા ફોન હેંગ થતા અંકિતભાઇએ ફોન સ્વીચ ઓફ કર્યો હતો અને બેંકીગના પાસવર્ડ બદલ્યા હતા. ત્યારબાદ ફોન નિયમિત રીતે ચાલુ થયો હતો. પરંતુ, ગઠિયાએ તેમના બેંક એકાઉન્ટમાંથી તમામ બેલેન્સ ખાલી કરી દીધું હતું. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.