Get The App

8 દિવસથી પાણી નહીં મળતા રસ્તા પર ઉતરી મહિલાઓનો ચક્કાજામ

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
8 દિવસથી પાણી નહીં મળતા રસ્તા પર ઉતરી મહિલાઓનો ચક્કાજામ 1 - image

વઢવાણ ૮૦ ફૂટ રોડ પરની નવરંગ સહિતની સોસાયટીમાં

વિરોધ પ્રદર્શનને પગલે ટ્રાફિકજામ  ઃ તાત્કાલિક પાણી વિતરણ નહીં કરાય તો મહિલાઓની આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર - વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ ત્રણથી ચાર સોસાયટીઓમાં આઠ દિવસથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓ અને રહીશો રવિવારે રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.

 

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે અને હાલ મોટાભાગની મહિલાઓ સાફ સફાઈ તેમજ ઘરકામમાં વ્યસ્ત હોય છે તેવા સમયે જ વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલ આવધપાર્ક, નવરંગ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં મનપા તંત્ર દ્વારા છેલ્લા આઠ દિવસથી પીવાનું પાણી નહીં મળતા પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઓ મામલે અનેક વખત સ્થાનિક મહિલાઓ અને રહીશોએ મનપા તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતા કોઈ જ ઉકેલ નહી આવતા રવિવારે રાત્રે સ્થાનિક મહિલાઓ અને રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહેરના ઉપાસના સર્કલ પાસે રસ્તા પર ચક્કાજામ કર્યોે હતો અને પાણીની સમસ્યા મુદે વિરોધ કર્યોે હતો. તેમજ મનપા તંત્ર દ્વારા પાણી પૂરું પાડવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. સ્થાનિકોના વિરોધ અને ચક્કાજામને પગલે બી-ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વિરોધ કરી રહેલ રહીશોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે રહીશોના ચક્કાજામને પગલે થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

 

મનપા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળઃ મહિલાઓ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સતાધીશો હાલ ચાલી રહેલ ત્રિદિવસીય ઝાલાવાડ ફેસ્ટિવલમાં વ્યસ્ત છે પરંતુ સ્થાનિક રહીશોને પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નીવડી હોવાનું સ્થાનિક રહીશો અને મહિલાઓએ જણાવ્યું હતું.

 

ખામી દૂર કરી અવ્યવસ્થા દૂર કરાશેઃ મનપા કમિશનર

આ અંગે મનપાના કમિશનર ડો.નવનાથ ગ્વાહણેના જણાવ્યા મુજબ ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં પાણી વિતરણની અવ્યવસ્થા અંગે રહીશોની ફરિયાદોને ધ્યાને લઈ ટીમને સૂચનાઓ આપી છે અને જે કઈ ખામીઓ હશે તે દૂર કરી રાબેતા મુજબ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.