ઓડ ગામમાં દેશી દારૂના દૂષણ સામે મહિલાઓએ ધારાસભ્યાને ઘેર્યા
- સાહેબ દારૂ બંધી કરાવો, યુવાનો બરબાદ થઇ રહ્યાં છે
- આગેવાનોને પોલીસ દારૂડિયાને પકડે તો ભલાભણ નહીં કરવા અનુરોધ : એસપીને રજૂઆત કરી કાર્યવાહી કરવા ધારાસભ્યની હૈયાધારણા
દસાડાના ઓડુ ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ભાજપના ધારાસભ્ય પી.કે.પરમાર સહિતના આગેવાનો, હોદ્દેદારો અને શાળાના આચાર્ય, શિક્ષકો સહિતનાઓ ઉપસ્થિત હતા. દરમિયાન સ્થાનિક મહિલાઓએ ધારાસભ્ય પી.કે.પરમારને ઘેરી ભૂગર્ભ ગટર સાથે સાથે ગામમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાથી યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાની રજૂઆત કરી હતી.
રજૂઆતને પગલે ધારાસભ્યએ યુવાધનને દેશી દારૂ સહિતના વ્યસનોથી દુર રહેવા પોતાના અપીલ કરી હતી. તેમજ આગેવાનોને પણ સ્પષ્ટ સુચના આપી પોલીસ કોઈ દારૂડીયાને પકડે તો તેને છોડાવવા ભલામણ નહિં કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ઓડુ ગામમાં બેફામ વેચાતો દેશી દારૂ પણ બંધ કરાવવા પોતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે તેવી ખાત્રી આપી હતી. મહિલાઓની દેશી દારૂ અંગે જાહેરમાં ફરિયાદ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. મહિલાઓની ફરિયાદ અંગે જિલ્લા પોલીસવડાને જાણ કરીશું તેમ જણાવાતા ભાજપના ધારાસભ્યને પાટડી પોલીસની કામગીરી પર વિશ્વાસ નહીં હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.