વોર્ડ 7માં સફાઈ કામગીરીને લઈ મહિલા સફાઈ સેવકોનો હોબાળો
હેરાનગતિના આક્ષેપ સામે મહિલા અધિકારીએ કહ્યું હું મારી ફરજ નિભાવું છું
કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે કામગીરીને લઈ અવારનવાર વિવાદ સર્જાતા હોય છે. ત્યારે આજે કોર્પોરેશનની વોર્ડ .7ની પેટા કચેરી ખાતે સફાઈ કામગીરીને લઈ મહિલા અધિકારી અને મહિલા સફાઈ સેવકો વચ્ચે ભારે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા.
નાગરવાડામાં આવેલી ઓફિસ ખાતે 10થી વધુ મહિલા સફાઈ સેવકોએ મહિલા અધિકારીને હેરાનગતિના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓનું કહેવું હતું કે, સેન્ટર ઇન્ચાર્જ મયુરીબેન અમારા દાયરામાં ન આવે તે કામગીરી પણ કરાવે છે. અને ઇનકાર કરીએ તો આડકતરી રીતે હેરાનગતિ કરે છે, આ અંગે અગાઉ અમે વોર્ડ ઓફિસર મિલન શાહ તથા સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ રજૂઆતો કરી હતી, છતાં હેરાનગતિ કરવામાં આવી રહી છે. આ અંગે મયુરીબેનનું કહેવું હતું કે, કર્મચારીઓને દાયરામાં જ કામગીરી સોંપવામાં આવે છે, સુપર વિઝન દરમિયાન કોઈક જગ્યાએ કચરો નજરે ચડે તો તે દૂર કરવા કર્મચારીઓને સૂચન કરવાની અમારી ફરજ છે, જે અંગે કહીએ તો તેઓ નારાજ થઈ જાય છે, બે દિવસ અગાઉ પણ આ અંગે વિવાદ થયો હતો.