આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા અનામત જાહેર
- નિયમ મૂજબ હવે ખંભાત અને કપડવંજ બેઠકો સામાન્ય થશે
- ઠાસરા બેઠકમાં પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પુત્રવધૂ ચૂંટણી લડે તેવી અટકળ : પેટલાદ બેઠક પર ત્રિપાંખિયા જંગના એંધાણ
અમૂલ ડેરીની આ ટર્મમાં ખંભાત અને કપડવંજ બેઠકો મહિલા માટે અનામત હતી. ત્યારે જિલ્લા રજીસ્ટાર અભિષેક સુવાએ જણાવ્યું હતું કે, રોસ્ટરના નિયમ મૂજબ ખંભાત અને કપડવંજ બેઠકો હવે સામાન્ય થશે. પરંતુ હવે પછી આવનારી પાંચ વર્ષની મુદત માટેની ચૂંટણીમાં પેટલાદ અને ઠાસરા બેઠકો મહિલા માટે અનામત ફાળવાઈ છે.
ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પર અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પુત્રવધૂનો ઠરાવ થયો હોવાથી તેઓ ચૂંટણી લડશે તેવી અટકળો છે. તેમની સામે કોણ ચૂંટણી લશે કે કોઈ ફોર્મ નહીં ભરવામાં આવતા ગત ટર્મની જેમ બિનહરીફ થશે તે છેલ્લે ખબર પડશે. ઠાસરા બેઠક પર ૧૧૦ જેટલા મતદારોના ઠરાવો થયા હોવાનું જાણવા મળ્યું છે.
આણંદ જિલ્લામાં ફાળવાયેલી ચાર પૈકી પેટલાદ બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. ત્યારે આ બેઠક ઉપર અમૂલના હાલના ડિરેક્ટર વિપુલભાઈ પટેલના પત્ની હેતલબહેન પટેલ તેમજ તેમની સામે આણંદ જિલ્લા કોંગ્રેસના મહિલા અગ્રણી વિજ્ઞાત્રીબહેન પટેલ ચૂંટણીમાં આમને સામને આવે તેવું સહકારી વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. પેટલાદ બેઠક ઉપર વધુ એક ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે. કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ ગુ્રપ દ્વારા પણ કોઈ મહિલાને ચૂંટણી જંગમાં ઉતારી ત્રિપાંખિયો ચૂંટણી જંગ થાય તેવી ચર્ચાઓએ હાલ જોર પકડયું છે. ત્યારે પેટલાદ વિભાગમાં ૮૯ મતદારોના ઠરાવો થયા છે.
અમૂલની ચૂંટણીના મતદાન માટે દૂધ મંડળીના ઠરાવોની અંતિમ તારીખ વિત્યા બાદ હવે મતદાર યાદી તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે મતદાર યાદી તૈયાર થઈ ગયા બાદ જિલ્લા કલેક્ટરને મોકલી આપ્યા બાદ ચૂંટણીનું વિધિવત જાહેરનામુ બહાર પડશે.
ચેરમેન પદ માટે ભાજપના નેતાઓ ઉમેદવારી કરશે
અમૂલ ડેરીની ચૂંટણી માટે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે આણંદના લોટીયા ભાગોળ ખાતે આવેલી દુધ મંડળીમાંથી, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે ચીખોદરા દુધ મંડળીમાંથી પોતાના નામનો ઠરાવ કરાવ્યો છે. જ્યારે બોરસદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને અમૂલના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તેમજ કોંગ્રેસના અગ્રણીઓ પણ ચૂંટણી જંગમાં ઉમેદવારી પત્ર ભરે તેવી સંભાવનાઓ ઊભી થઈ છે. જો કે, ખેડા જિલ્લામાં સૌથી વધુ છ બેઠકો હોવાથી તમામની નજરો આ જિલ્લા ઉપર અત્યારથી જ જોવા મળી રહી છે.
ચૂંટણીમાં મતદાન માટે મંડળીના થયેલા ઠરાવ
બ્લોક |
દૂધ
મંડળીઓ |
થયેલા
ઠરાવ |
આણંદ |
૧૧૮ |
૧૧૬ |
ખંભાત |
૧૦૭ |
૧૦૭ |
બોરસદ |
૯૯ |
૯૮ |
પેટલાદ |
૯૦ |
૮૯ |
ઠાસરા |
૧૧૬ |
૧૧૦ |
બાલાસિનોર |
૯૬ |
૯૬ |
કઠલાલ |
૧૦૭ |
૧૦૨ |
કપડવંજ |
૧૧૫ |
૧૧૪ |
મહેમદાવાદ |
૧૦૮ |
૧૦૮ |
માતર |
૯૩ |
૯૧ |
નડિયાદ |
૧૧૧ |
૧૦૯ |
વિરપુર |
૯૮ |
૯૬ |
કુલ |
૧૨૫૮ |
૧૨૩૬ |