Get The App

મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
મુળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતાં મહિલાઓનો થાળી-વેલણ અને માટલા સાથે વિરોધ 1 - image


સુરેન્દ્રનગરના મનપામાં સમાવિષ્ટ ગામમાં પ્રાથમિ સુવિધાઓનો અભાવ

વૈકલ્પિક ધોરણે ટેન્કરથી પાણી આપી કાયમી સમસ્યોનો ઉકેલ લાવવા માંગ ઃ નિરાકરણ નહીં આવે તો મનપા કચેરીને ઘેરાવ કરવાની મહિલાઓની ચીમકી

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ મુળચંદ ગામમાં પાલિકા તંત્ર દ્વારા એક મહિનાથી પાણીનું વિતરણ નહીં કરતા મહિલાઓની હાલત કફોડી બની છે. મનપાના અધિકારીઓ ફરિયાદ નહીં સાંભળતા હોવાનો આક્ષેપ કરી મહિલાઓએ ગામમાં થાળી, વેલણ લઇ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાકિદે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. તેમજ સમસ્યા નહીં ઉકેલાય તો મહિલાઓ મનપા કચેરીમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગરની મહાનગરપાલિકા બની શહેરની આજુબાજુમાં આવેલા મુળચંદ સહિત પાંચ ગામનો મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારે આ પાંચેય ગામોમાં પાયાની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. મૂળચંદ ગામે છેલ્લા ૩૦ દિવસથી પીવાનું પાણી તંત્ર દ્વારા વિતરણ કરવામાં ન આવ્યા હોવાનો મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

મહિલાઓ રણચંડી બની ગામમાં એકત્રિત થઈ અને થાળી વેલણ વગાડી મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. ચાર હજારની વસ્તી ધારાવતા ગામમાં મહિનાથી પાણીનું વિતરણ નહીં કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ટેન્કરના પૈસા પરવળતા નહીં હોવાથી હાલ મહિલાઓ તળાવમાંથી પાણી ભરી રહી છે. આ તળાવમાં ગાય, ભેંસ સહિતના પશુઓ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ગ્રામજનોમાં પાણીજન્ય રોગચાળો ફેલાઇ રહ્યો છે.

 

પાલિકાના અધિકારીઓ અમને ગાંઠતા નથીઃ મહિલાઓ

મહિલાએ જણાવ્યું કે અમારૃ ગામ મહાનગરપાલિકા ભળ્યું ત્યાર બાદ પ્રાથમિક સુવિધાના કામો પણ થતાં નથી. પહેલા પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય તો સરપંચને રજૂઆત કરતા ત્યારે સમસ્યા હલ થતી હતી. હવે મહાનગરપાલિકાના અધિકારીઓ સાંભળવા તૈયાર નથી.

 

સમસ્યા નહીં ઉકેલાય તો મનપા કચેરીમાં ઉગ્ર વિરોધ કરીશું

પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ પાણીની સમસ્યા તાત્કાલિક હલ કરવાની માંગણી કરી છે. તેમજ પાણીની સમસ્યા હાલ નહીં થાય તો મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી પણ મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તેમજ યુદ્ધના ધોરણે ટેન્ક થકી પાણી પુરૃ પાડવામાં આવે તેવી માંગ કરી છે.

Tags :