આણંદના મોગરથી વડોદના બિસ્માર રોડ મુદ્દે મહિલાઓનો ચક્કાજામ
- રોડ પરથી ડામર ગાયબ, ખાડાંનું સામ્રાજ્ય
- ખાડાંના લીધે ગર્ભવતિને મિસકેરેજ થયું, સ્કૂલ બસ, રિક્ષા નહીં આવતા બાળકોને મૂકવા જવું પડે છે
વડોદરાથી આણંદના મોગર ગામ સુધીનો નવો ડામર રોડ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. ત્યારે હાલ શરૂ થયેલા વરસાદને કારણે આખો રસ્તો તૂટી ગયો છે અને રસ્તા ઉપર મોટા ખાડાં પડી ગયા છે. ડામરના નામ નિશાન રહ્યા નથી.
જેને કારણે વરસાદમાં આખા રોડ ઉપર પાણી ભરાઈ જતા ખાડાંના કારણે રોડ ક્યાં છે તે દેખાતો પણ નથી. ત્યારે રોડના મુદ્દે આ વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકો ખૂબ જ તકલીફો ભોગવી રહ્યા હતા. આજે આ વિસ્તારની મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કરીને વાહનોને જતા અટકાવ્યા હતા. વહીવટી તંત્ર, પૂર્વ સરપંચ સહિતનાને મહિલાઓએ રજૂઆતો કરવા છતાં કોઈપણ અધિકારી સ્થળ ઉપર ફરક્યા ન હતા.
આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે, ખાડાઓને કારણે સ્કૂલ બસ અને રિક્ષાવાળાઓ પણ બાળકોને લેવા આવતા નથી. પરિણામે સવારે ૧૦ વાગ્યે ફરજિયાત રોડ સુધી બાળકોને મૂકવા જવા પડતા સમય બગડી રહ્યો છે. ઉપરાંત ગર્ભવતી મહિલાને રોડને કારણે મિશકેરેજ પણ થઈ ગયું હતું. અન્ય એક ગર્ભવતી જગ્યા છોડીને બીજે ભાડે રહેવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રોડનું રિપેરિંગ કરાતું નથી. રોડ ઉપર વીજળીના થાંભલા પણ વાંકા થઈ ગયા છે. વહીવટી તંત્રની બેદરકારીથી વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીના રહીશો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે નાછૂટકે મહિલાઓએ રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી છે.